Mehsana News: ફરી એકવાર બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે મોટુ નિવેદન આપીને ચોંકાવ્યા છે. આ વખતે રાજકારણ નહીં પરંતુ સમાજ માટે નિવેદન આપ્યુ છે. તાજેતરમાં જ બહુચરાજી-શંખલપુર વિસ્તારમાં ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં ગેનીબેન ઠાકોરે ભુવા અને અંધશ્રદ્ધાને લઇને સમાજને ટકોર કરી છે, તેમને કહ્યું કે, અત્યારે ગુજરાતમાં ઘરે ઘરે ભુવાઓ પેદા થયા છે, ભુવાઓ અંધશ્રદ્ધાને પ્રેરિત કરવાનું નેટવર્ક છે, પરંતુ જો તેઓ સારુ કામ કરે તો સમાજ માટે કામનું છે.

Continues below advertisement

તાજેતરમાં જ બહુચરાજી-શંખલપુર વિસ્તારમાં ઠાકોર સમાજનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સમાજના મંચ પરથી ફરી એકવાર ગેનીબેને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધી ગઇ છે. ગુજરાતમાં ઘરે ઘરે ભુવાઓ પેદા થઇ ગયા છે. ભુવાઓ એ અંધશ્રદ્ધા પ્રેરિત કરવાનું નેટવર્ક છે. પરંતુ જો ભુવાઓ ધારે તો સમાજને સુધારે અને ધારે તો બરબાદ પણ કરી શકે છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે પણ ભુવાઓને લઇને નિવેદનબાજી કરી હતી.

ગેનીબેન ઠાકોરે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજના વિકાસ માટે માત્ર જનસંખ્યા પૂરતી નથી, મજબૂત 'વિલ પાવર' અને યોગ્ય સિસ્ટમ હોવી અનિવાર્ય છે. તેમણે શિક્ષણના પ્રસાર, મહિલા સશક્તિકરણ, અંધશ્રદ્ધા નિવારણ અને યુવાનો માટે રોજગારી તથા લાઇબ્રેરીની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સહકારી ક્ષેત્રની વાસ્તવિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે, ડેરી કે સહકારી ક્ષેત્રમાં ભલે ગમે તેટલા ઠરાવો થાય, પણ જ્યારે વોટિંગનો સમય આવે છે, ત્યારે લોકો ટૂંકા રસ્તા અપનાવીને ચેરમેન કહે ત્યાં મત આપી દે છે, જે યોગ્ય નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, જ્યાં સુધી સમાજમાં એકજૂટતા અને 'વિલ પાવર' નહીં આવે, ત્યાં સુધી સરકાર હોય કે સહકારી સંસ્થાઓ, સમાજની અવગણના થતી રહેશે. ગેનીબેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જો ભવિષ્યમાં રાજકીય કે સામાજિક રીતે કોઈ અન્યાય થાય, તો ઠાકોર સમાજ એક થઈને લડવા માટે સક્ષમ છે અને કાયદો-વ્યવસ્થાની દ્રષ્ટિએ કોઈ દીકરા-દીકરીને તકલીફ પડશે તો સૌ સાથે મળીને મદદ કરશે.           

Continues below advertisement