કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના ગુગળામણથી મોત થયા છે. બેના મોતથી સમગ્ર પંથકમાં સનાટ્ટો છવાઈ ગયો છે. જોકે બનાવમાં 4 લોકોનો આબાદ બચાવ થયો છે.

કાંકરેજ તાલુકાના મોટા જામપૂરના ખેડૂતપુત્ર અને તેના ભાગીયાનું કરૂણ મોત થયું છે. મોટા જામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા સુંડાજી ઠાકોર ઊતર્યા હતા, જેમાં કુવામાં સાફ સફાઈ વખતે ગુગળામણ થતા ભાગીયો અંદર બેભાન થઈ ગયો હતો.



ભાગીયાને બચાવવા માટે ખેડૂતનો દીકરો આનંદ ચૌધરી પણ ઉતર્યો હતો, જેમાં તે પણ અંદર બેભાન થતા બંને લોકોને બચાવવા માટે અન્ય 4 લોકો પણ કુવામાં ઉતર્યા હતા, જેમાં ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. જો કે આ બનાવમાં ભાગીયા અને ખેડૂત પુત્રનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ અન્ય ખેડૂત પરિવારને થતા પરિવારજનો પણ બનાવ સ્થળ પર દોડી આવ્યા હતા.

મોટા જામપુર ગામે બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી છે, જેમાં કુવામાં 2 લોકોને બચાવવા માટે ઉતરેલા અન્ય 4 લોકોને પણ ગંભીર અસર થતા તાત્કાલિક સારવાર માટે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં તમામ 4 લોકોનો આબાદ બચાવ થયો હતો.



બનાવની જાણ પરિવારજનો શિહોરી પોલીસને કરતા પોલીસ પણ બનાવ સ્થળ પર દોડી આવી હતી અને બંને મૃતકની લાશને પીએમ અર્થે થરા રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જેમાં મોટા જામપુરા ગામે આ બનાવથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. મોટા જામપુર ખાતે બનેલી ઘટનાને લઇને સમગ્ર પંથકમાં સન્નાટો છે. બનાવમાં પીડિત અન્ય 4 લોકો પણ રાધનપુર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને પીડિત 4 ની હાલત પણ સુધારા પર છે, ત્યારે સિહોરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.