ઉંઝાઃ કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટ દ્ધારા ઉંઝામાં યોજાઇ રહેલા લક્ષચંડી મહાયજ્ઞનો આજે ચોથો દિવસ છે. લક્ષચંડી મહોત્સવમાં છેલ્લા ત્રણ દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે ત્યારે આજના દિવસે બે રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ લક્ષચંડી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સિવાય ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જવાહર ચાવડા, બચુ ખાબડ સહિતના નેતાઓ પણ ઉંઝામાં લક્ષચંડી મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાત્રે આઠ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પાર્થિવ ગોહિલ અને ભૂમિ ત્રિવેદી સૂર રેલાવશે. નોંધનીય છે કે લક્ષચંડી મહોત્સવમાં હજારો સ્વયંસેવકો ખડેપગે લોકોની સેવામાં લાવ્યા છે. વિશ્વના સૌથી વિરાટ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં 30 હજારથી વધુ પાટીદાર સ્વયં સેવકો પૂરા સમર્પિત ભાવથી મા ઉમાના સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છે. જેમાં 7 હજાર જેટલી મહિલા સ્વયંસેવકો પણ છે.
ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં છેલ્લા ત્રણ દિવસમાં 15 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે. આયોજકોના અંદાજ અનુસાર પાંચ દિવસ દરમિયાન કરોડથી વધુ લોકો આવે તેવી સંભાવના છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન કેન્સર સ્કેનિંગ મશીનથી 7200 મહિલાની બ્રેસ્ટ કેન્સર અંગેની તપાસ કરવામાં આવી છે જેમાંથી 30નું નિદાન કરાયું છે.
લક્ષચંડી મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા વિવિધ 45 કમિટીઓ બનાવાઇ છે અને દરેકની અલગ અલગ જવાબદારી છે. આ સ્વયંસેવકો ભોજનશાળામાં ભોજન પિરસવાથી માંડી, ડીશો ધોવી, માઇભક્તોનાં પગરખાં સાચવવા, વાહનોને યોગ્ય સ્થળે પાર્કિંગ કરાવવા સહિતની સેવાઓ કરી રહ્યા છે.