મહેસાણાઃ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રા મહેસાણા બહુચરાજી હાઈવે પર પહોંચતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્રણ કિમી લાંબી પદયાત્રા ચાલી રહી છે. પદયાત્રાને લઇ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો હતો. મહેસાણા જતા વાહનોને મોઢેરા તરફ ડાયવર્ઝન અપાયું. ભારે વાહનોને મોઢેરા રૂટ પર ડાઇર્ટ કરાયા. પગપાળા યાત્રાને લઈ મોટી સંખ્યામાં લોકો રોડ પર જોવા મળ્યા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે આજે શક્તિપ્રદર્શન યોજ્યું છે. આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા છે. બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અલ્પેશ ઠાકોરની યાત્રામાં જોડાયા છે. ભાજપ નેતાના કાર્યક્રમમાં ભરતજી જોડાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
ભરતજીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ રાજકીય નહીં, પરંતુ સામાજિક છે. ઠાકોર સમાજનું આ સંગઠન હોવાના કારણે હું જોડાયો છું. હું ઠાકોર સેનાનો બીજા નંબરનો હોદ્દેદાર હોવાથી આજની યાત્રામાં જોડાયો છું. અલ્પેશ ઠાકોરની યાત્રામાં ભાજપના નેતાઓના બનેરો છતાય કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહ્યા છે. સમાજ માટેનું આ સંગઠન અને સામાજિક હેતથી આ યાત્રા હોવાનો દાવો ભરતજી ઠાકોરે કર્યો હતો.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ પણ જોડાય તેવા સંકેત મળી રહ્યા છે. પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરતજી ઠાકોર પણ પદ યાત્રામાં જોડાયા. અલ્પેશ ઠાકોરની પદ યાત્રામાં કોગ્રેસ ભાજપ બન્ને પક્ષના નેતા જોડાયા હતા.