મહેસાણા જિલ્લામાં વધુ એક કૌભાંડની આશંકા છે. જિલ્લામાં 138 શિક્ષકના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામાં છે. 6,780 પૈકી 138 શિક્ષકના સીસીસી સર્ટિફિકેટ શંકાના દાયરામાં છે. 2023માં શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનથી ભાંડો ફૂટ્યો હતો. 138 શિક્ષકના સર્ટિફિકેટનું ઓનલાઇન વેરિફિકેશન ન થયાનો ખુલાસો થયો હતો. યુનિવર્સિટીએ સર્ટિફિકેટની ખરાઈ ન કર્યાનું પણ સામે આવ્યું છે. 138 શિક્ષકો સામે કાર્યવાહીની શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું હતું.

શિક્ષણ વિભાગની વેરિફેકેશન પ્રક્રિયામાં 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ શંકાના દાયરામા આવ્યા હતા. 2023માં શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનથી આ ભાંડો ફૂટ્યો હતો. શિક્ષણ વિભાગે કુલ 6 હજાર 708 શિક્ષકોના CCC સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધર્યું હતું જેમાં 138 શિક્ષકોનું CCC સર્ટિફિકેટ ઓનલાઈન વેરિફાય થયું ન હતું. જેથી 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ જે તે યુનિવર્સિટીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જો કે જે તે યુનિવર્સિટીમાંથી આ શિક્ષકોના સીસીસી સર્ટિફિકેટના વેરિફિકેશનને લઇને જવાબ ના આવતા પ્રશાસન એક્શન મોડમાં આવ્યું હતું. 138 શિક્ષકો સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે. સાથે જ તપાસ માટે કમિટીની પણ રચના કરવામા આવી હોવાની માહિતી છે.

મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાચાડીયા ગામમાં મનરેગા યોજનાના કામોમાં કૌભાંડ થયાનો ગામની જ દૂધ મંડળીના મંત્રીએ આરોપ લગાવ્યો હતો. તેમણે લોકપાલને લેખિતમાં ફરિયાદ કરી હતી. મનરેગાના કામોમાં માટી કામ સહિત અન્ય કામોમાં ગેરરીતિ આચરાઈ છે. આ ફરિયાદને લઈ લોકપાલ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

બીજી તરફ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળાને તાળા મરાયા છે. વિદ્યાર્થી વગરની અલગટ ગામના જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે.જોકે ગામમાં ત્રણ શાળા હોય જે પૈકી જવાહર ફળિયાની શાળામાં એકપણ વિદ્યાર્થી નહીં આવતા શાળાને તાળા મારી તંત્ર દ્વારા બંધ કરાઈ છે. જ્યારે ગામમાં આવેલ અન્ય બે શાળામાં 130થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગતરોજ સુધી શાળામાં બે શિક્ષકો હોય પણ વિધાર્થીઓ નહીં હોવાના કારણે ઉપરથી મળેલ આદેશ અનુસાર શાળા બંધ કરવામાં આવી હોવાનું મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે. બીજી તરફ અલગટ ગામના ગ્રામજનોએ શાળા બંધ નહીં કરવા અને શાળામાં વિધાર્થીઓની સંખ્યા વધારવા માંગ કરી છે.