મહેસાણા: જમીન સંપાદનમાં યોગ્ય વળતર ન મળવાથી નારાજ ખેડૂતોએ મહેસાણામાં મહારેલી યોજી હતી. ખેડૂતો હઠે ચડતા કલેકટરે ઓફિસ બહાર આવી ખેડૂતોનુ આવેદન સ્વીકાર્યું હતું. મહેસાણામાં જમીન સંપાદનથી પ્રભાવિત થયેલા ખેડૂતોએ આજે તેમના યોગ્ય હક્કો માટે જાગો ખેડૂત મહા રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવતા વળતરમાં થતા અન્યાયનો વિરોધ નોંધાવ્યો હતો. સવારે 10 વાગ્યાથી જ ખેડૂતો મોટી સંખ્યામાં અહીં હાજર રહ્યા હતા.
આ વિરોધ પ્રદર્શન બાદ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પોહચા હતા. પ્રથમ ખેડૂતો કલેકટર કચેરીમાં પ્રવેશ કરતા ખેડૂતોને પોલીસે રોક્યા હતા જેને લઇ ખેડૂત આગેવાનો અને ખેડૂતો રોષે ભરાયા હતા જેને પગલે ખેડૂતો કલેકટર કચેરી બહાર જ બેસી ગયા હતા અને કલેકટરને નીચે આવી આવેદન સ્વીકારવાનું કહ્યું હતું. જો કે પોલીસે સમજાવ્યા બાદ પણ ખેડૂતો ન સમજતા આખરે મહેસાણા કલેકટર પોતાની ઓફિસથી નીચે આવ્યા હતા અને આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
મહેસાણા સમર્પણ ચોકથી શરૂ થયેલી આ રેલીમાં ખેડૂતોએ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી સુધી કૂચ કરી હતી. ખેડૂતોની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે હતી:
- સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ જમીનનું વળતર નક્કી કરવામાં આવે.
- ખેતી અને બિનખેતી જમીનના વળતરમાં થતો ભેદભાવ દૂર કરવામાં આવે.
- જમીન સંપાદનનું વળતર નક્કી કરવાનો અધિકાર કોર્ટને સોંપવામાં આવે.
ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતમાલા, નેશનલ અને સ્ટેટ હાઈવે, ONGC, જેટકો (GETCO) અને રેલવે જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદિત કરવામાં આવે છે, પરંતુ ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર મળતું નથી.
મહેસાણા કલેક્ટરને ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરાતાં મહેસાણાના કલેક્ટર જાતે કચેરી નીચે બહાર આવેદનપત્ર લેવા આવ્યા હતા અને ખેડૂત આગેવાનો પાસેથી આવેદનપત્ર સ્વીકાર્યું હતું. કલેક્ટરે ખેડૂતોની માંગણીઓ સાંભળી હતી.
સવારે 10 વાગ્યાથી જ ખેડૂતો મોટી સંખ્યામાં સમર્પણ ચોક પર એકઠા થવા લાગ્યા હતા. રેલીમાં સામેલ ખેડૂતોએ સફેદ ટોપીઓ પહેરી હતી અને હાથમાં વિવિધ સૂત્રોચ્ચાર લખેલા બેનરો પકડ્યા હતા. આ બેનરો પર "વળતરમાં અન્યાય બંધ કરો," "સૂચિત જંત્રી મુજબ વળતર આપો," અને "ખેતી અને બિન-ખેતીનો ભેદભાવ દૂર કરો" જેવા સૂત્રો લખેલા હતા.