મહેસાણાઃ મહેસાણામાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યુ હતું. મળતી જાણકારી અનુસાર, ભારતમાલા પ્રોજેક્ટનો મહેસાણાના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રોજેક્ટના કારણે ખેડૂતોને ડર છે કે તેઓ જમીન વિહોણા બનશે. તેથી આ પ્રોજેક્ટને બંધ કરવા ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.


વાસ્તવમાં ઊંઝા, મહેસાણા અને વિસનગર તાલુકાના ગામડાના ખેડૂતોની જમીન પહેલાથી રોડ અને રેલવે લાઈન માટે સંપાદિત થઇ ચુકી છે. હવે ભારત માલા પ્રોજેક્ટ માટે જમીનનું સંપાદન થઇ રહ્યું છે પણ તેનાથી અનેક ખેડૂતો જમીન વિહોણા બની જશે. તેથી મહેસાણાના એક હજારથી વધુ ખેડૂતોએ તાલુકા પંચાયતથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોની માંગ છે કે ભારત માલા પ્રોજેક્ટ બંધ કરવામાં આવે.


NO CATTEL ZONE: અમદાવાદમાં રખડતા ઢોરને લઈને કમિશનરે આપ્યો મોટો આદેશ, આ જગ્યાએ ઢોર જોવા મળશે તો...


અમદાવાદ: ગુજરાતના અનેક શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 60 દિવસમાં RFID પ્રક્રિયા પૂર્ણ કરવા પશુમાલિકોને આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટની આસપાસના વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પોતાના પશુઓ અંગેની તમામ માહિતી AMCના CNCD વિભાગને સોંપવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટ આસપાસમાં રખડતા પશુઓ જોવા મળશે તો માલિકો સામે કડક સજા કરવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર
અમરેલી:  સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામે દીપડાએ એક વૃદ્ધ મહિલાને ફાડી ખાધી હતી. બે દિવસ પહેલા ઝૂંપડામાં સૂતેલ વૃદ્ધ મહિલા ઉપર ખૂખાર દીપડાએ હુમલો કરતા મહિલા મોતને ભેટી હતી. જો કે, અન્ય કોઈ લોકોને દીપડો હુમલો ન કરે તે માટે વન વિભાગે તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા જુદી જુદી જગ્યાએ ખુંખાર દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા. ગઈ રાત્રે માનવ ભક્ષી દીપડાને વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યો.. હાલ આ દીપડાને જસાધાર એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્યો છે. દીપડો પકડાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.