ઉંઝાઃ લોકસભા ચૂંટણી અગાઉ ઉંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ ભાજપ વિરુદ્ધ બળવો કરે તેવી સંભાવના છે. ઊંઝા APMCમાં મંડળીઓ રદ કરાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે ભાજપ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના નિવાસસ્થાન પર NCP નેતા શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા ભાજપના નેતાઓમાં દોડધામ મચી ગઈ છે. શંકરસિંહ વાઘેલા બે કલાક સુધી નારાયણ પટેલના ઘર પર રોકાયા હતા. આ મુલાકાતને લઇને શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કાકા સાથે પારિવારીક સંબંધોને કારણે હું અહી આવ્યો છું. હિન્દુસ્તાનમાં પહેલી વખત સહકારી માળખામાં સરકારે એકતરફી નિર્ણય લઇને માર્કેટયાર્ડમાંથી કાકાની મંડળીઓને કાઢી નાંખે છે. કાકા સાથે જે થયું તે આઘાતરૂપ છે. અમારી વચ્ચે 40-50 વર્ષથી પારિવારિક સંબંધો છે. એ નિસબતે હું તેમને મળવા ગયો હતો.


નારાયણ પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વિરુદ્ધ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જીતુ વાઘાણી અને કેસી પટેલ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, કે.સી પટેલના વેવાઈને ઉંઝા એપીએમસીના ચેરમેન બનાવવા જીતુ વાઘાણીએ મારી સાથે અન્યાય કર્યો છે. સાથે જ કહ્યું હતું કે મુખ્યમંત્રીના વચન પછી પણ મારી મંડળીઓ રદ કરાઈ છે. નારાયણ પટેલે વાઘાણી પર આક્ષેપ કર્યો હતો કે  આશાબેનને ભાજપમાં જોડી રાજકીય કારર્કીદી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જોકે, નારાયણ પટેલને મનાવવા લોકસભા ચૂંટણી પ્રભારી ઓમ માથુરે પ્રયાસ હાથ ધર્યા છે. જોકે, તેમણે  મીડિયા સમક્ષ  એવી કબૂલાત કરી હતી કે ચૂંટણીનો માહોલ છે ત્યારે આવી હલચલ થતી હોય છે. પરંતુ પાછલા દરવાજે હવે લોકસભા ચૂંટણી પ્રભારીએ જ નારાયણ પટેલને મનાવવા પ્રયાસ હાથ ધર્યા છે. નોંધનીય છે કે કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલના ભાજપમાં પ્રવેશથી નારાયણ  પટેલ નારાજ છે. ત્યારે નારાયણ પટેલ નારાજ થતાં ભાજપને ઉત્તર ગુજરાતમાં મોટું નુકસાન  થઇ  શકે છે.