વિસનગરઃ વિસનગરના વિધાનસભા બેઠક ઉપરથી ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરનાર 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલને આખરે મનાવી લેવામાં આવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જશુભાઈને ભાજપનો ખેસ પહેરાવામાં આવ્યો હતો.


વિસનગર વિધાનસભા ઉપરથી ભાજપના ઉમેદવાર ઋષિકેશભાઈ પટેલનું નામ જાહેર થતા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. જો કે બાદમાં જશુભાઈ પટેલની અપક્ષ ઉમેદવારીને લઈ ભાજપના નેતા જશુભાઈને મનાવા લાગ્યા હતા અને આખરે જશુભાઈ પટેલને મનાવવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા હતા. જ્યાં જશુભાઈ પટેલને મનાવી ભાજપના ઉમેદવાર ઋષિકેશભાઇ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. 


Gujarat Election 2022: સુરત બાદ AAP ને અહીં લાગ્યો મોટો ફટકો, સંગઠન મંત્રીએ રાજીનામું આપ્યું


Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે ત્ચારે સુરત બાદ હવે મહિસાગરમાં આમ આદમી પાર્ટીને ફટકો લાગ્યો છે. સંતરામપુર વિધાનસભાના સંગઠન મંત્રી બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તેઓ આજે અપક્ષ ઉમેદવારી નોંધાવશે. બાબુભાઈ ડામોરે આમ આદમી પાર્ટીમાંથી ટિકિટની માંગ કરી હતી. સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર તેમને ટિકિટ ન મળતા આજે તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે, તેઓ છેલ્લા ઘણા સમયથી પક્ષથી નારાજ હતા. Whatsapp દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખને રાજીનામુ મોકલ્યું હતું. સંતરામપુર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટી દ્વારા પર્વતભાઈ વાગડીયા ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભાજપે કુબેરભાઈ ડીંડોર અને કોંગ્રેસ ગેંડાલભાઈ મોતીભાઈ ડામોરને ટિકિટ આપી છે


ભાજપની ટિકિટ પર ચૂંટણી લડતાં રિવાબાની કેટલી છે સંપત્તિ ?


ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્નીને ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે તેના ઉમેદવાર તરીકે નોમિનેટ કરી છે. ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડી રહેલા જાડેજાના પત્ની રીવાબાને જામનગર ઉત્તર વિધાનસભામાંથી ટિકિટ મળી છે. આ સંબંધમાં રીવાબાએ 14 નવેમ્બરે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે દરમિયાન તેણે એફિડેવિટ પણ ફાઈલ કરી હતી. એફિડેવિટમાં રીવાબા જાડેજાએ પોતાની મિલકતોની માહિતી આપી હતી.


દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ રીવાબા જાડેજા અઢળક સંપત્તિના માલિક છે. જાડેજા દંપતી પાસે 97 કરોડની સંપત્તિ છે, જેમાં કરોડો રૂપિયાની જમીન સાથેનું આલિશાન ઘર પણ સામેલ છે. રીવાબાએ જણાવ્યું કે તેની અને તેના પતિ પાસે એક કરોડ રૂપિયાના દાગીના છે. રવીન્દ્ર જાડેજા ભારતના એક મોટા ક્રિકેટર છે, ક્રિકેટ સિવાય તે ઘણી બ્રાન્ડ્સને પણ એન્ડોર્સ કરે છે જેમાંથી તે કમાણી કરે છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2021-22માં 18.56 કરોડ રૂપિયાની કમાણી દર્શાવી હતી.