મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, કડી ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું નીતિન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. નીતિન પટેલ કડીથી ભાજપના ઉમેદવાર કરસનભાઇ સોલંકીના પ્રચાર માટે કડી પહોંચ્યા હતા. સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યું હતું કે આપણે ફરીથી ભાજપના ઉમેદવારને ધારાસભ્ય બનાવવાના છે.


ટિકિટ કપાયા બાદ પ્રથમવાર નીતિન પટેલે મૌન તોડ્યુ હતું. નીતિન પટેલને ટિકિટ ન મળ્યાનો કોઇ અફસોસ ન હોવાનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કર્યો હતો. પક્ષ માટે કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ટિકિટ ન મળ્યાનો કોઇ પણ પ્રકારનો વસવસો ન હોવાનો નીતિન પટેલે દાવો કર્યો હતો. 2022ની ચૂંટણીમાં કોગ્રેસવાળાઓને પણ નીતિન પટેલનું નામ લેવું પડશે.


અથાગ મહેનત બાદ ટિકિટ ન મળી છતા પક્ષ માટે કામ કરવાનો નીતિનભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો.  એટલુ જ નહીં નીતિન પટેલે તો ત્યાં સુધી કહી દીધુ કે 2022ની ચૂંટણીમાં ફક્ત ભાજપના ઉમેદવારો જ નહીં, પરંતુ કૉંગ્રેસના ઉમેદવારોએ પણ વિસ્તારમાં થયેલા કામને લઈને નીતિનભાઈનું નામ લેવુ પડશે. હું જીવુ છુ ત્યાં સુધી ભાજપ સિવાય કોઈ નામ નહી લઉ. સાથે જ કડી અને મહેસાણા જિલ્લાના મતદારોને એવો વિશ્વાસ પણ અપાવ્યો કે જ્યાં સુધી હું જીવુ છું ત્યાં સુધી કડી અને મહેસાણાની જનતા માટે કામ કરતો રહીશ..


નીતિન પટેલે કહ્યું કે મને કોરોના થયો ત્યારે પણ ડોક્ટરોનું ન સાંભળીને મે પ્રજા માટે કામ કર્યા હતા. ભલે હું હોદ્દા પર ના હોઉ પણ કડી, મહેસાણા જિલ્લા માટે કામ કરતો રહીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ હોય કે અન્ય કોઇ મંત્રી અમે બધા મિત્રો છીએ. નરેન્દ્ર મોદી સાહેબે મને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો. મે ક્યારેય પાછીપાની કરીને જોયું નથી. 33 વર્ષની ઉંમરે મને ચૂંટણી લડવાની તક મળી હતી. ચાર-પાંચ લીટીના કાગળ અને તમારા આશીર્વાદે મને નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યો હતો. ભાજપે આજે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે. અમે ગામડે ગામડે પ્રચાર કરવા જતા હતા. કેટલાક ગામમાં તો અમારી નો એન્ટ્રી હતી. કોગ્રેસના જમાનામાં અમે જનસંઘના ઉમેદવાર તરીકે ગામડે ગામડે ફરતા હતા.


 


નીતિન પટેલે હું તો બોલીશ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. નીતિન પટેલે કહ્યું કે હું તો બોલીશ કાર્યક્રમ સાચી રીતે પ્રજાની સમસ્યાને પ્રસારીત કરે છે.