Gujarat minors pregnancy: મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગના સર્વેમાં સામાજિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતા આંકડા સામે આવ્યા છે. એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીના માત્ર 9 મહિનાના સમયગાળામાં જિલ્લામાં કુલ 341 સગીર વયની દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. જેમાં સૌથી વધુ કડી તાલુકામાં 88 અને મહેસાણા તાલુકામાં 80 કેસ સામે આવ્યા છે. આ તમામ સગીરાઓ 13 થી 17 વર્ષની વયજૂથની છે, જે બાળલગ્ન અને સામાજિક જાગૃતિના અભાવ તરફ ઈશારો કરે છે.

Continues below advertisement

સમાજ માટે ચિંતાનો વિષય: કિશોરીઓ બની રહી છે માતા

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી વાસ્તવિકતા બહાર આવી છે. જિલ્લામાં કુલ 22,812 સગર્ભા મહિલાઓનું રજિસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 341 તો એવી દીકરીઓ છે જેમની ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે. કાયદાકીય રીતે આ ઉંમર લગ્ન કે ગર્ભધારણ માટે યોગ્ય નથી, છતાં આટલી મોટી સંખ્યામાં સગીરાઓ ગર્ભવતી થતા તંત્ર હરકતમાં આવ્યું છે.

Continues below advertisement

વયજૂથ મુજબ ચોંકાવનારા આંકડા

આંકડાકીય વિગતો પર નજર કરીએ તો સ્થિતિની ગંભીરતા સમજાય છે. ગર્ભવતી નોંધાયેલી સગીરાઓમાં:

14 વર્ષ: 2 દીકરીઓ

15 વર્ષ: 34 દીકરીઓ

16 વર્ષ: 76 દીકરીઓ

17 વર્ષ: 229 દીકરીઓ

આ ઉપરાંત, 18 વર્ષની 588 અને 19 વર્ષની 852 યુવતીઓ પણ સગર્ભા હોવાનું સામે આવ્યું છે, જે નાની ઉંમરે લગ્ન અને માતૃત્વની દિશા સૂચવે છે.

કયા તાલુકામાં સ્થિતિ ગંભીર?

તાલુકાવાર આંકડા જોઈએ તો ઔદ્યોગિક નગરી ગણાતા કડીમાં સૌથી વધુ 88 સગીરાઓ ગર્ભવતી નોંધાઈ છે. જ્યારે જિલ્લા મથક મહેસાણામાં 80 સગીરાઓનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં આ સમસ્યા વ્યાપ્ત છે.

આરોગ્ય વિભાગ અને બાળ સુરક્ષા એકમની કાર્યવાહી

આ મામલે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીએ જણાવ્યું હતું કે, આ તમામ કેસોને ANC (Antenatal Care) તરીકે નોંધવામાં આવ્યા છે. નાની ઉંમર હોવાને કારણે આ દીકરીઓનું વજન ઓછું હોય છે, તેથી આરોગ્ય વિભાગ દ્વારા તેમને ન્યુટ્રિશન કીટ આપીને સ્વાસ્થ્યની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે, આ સગીરાઓના લગ્ન થયા છે કે કેમ? તે તપાસનો વિષય છે. હાલમાં આ દિશામાં રિવ્યુ કરવાની કામગીરી ધનંજય ત્રિવેદી દ્વારા ચાલી રહી છે.

12 વર્ષની બાળાનો કિસ્સો અને કાયદાકીય પગલાં

આ સર્વે દરમિયાન એક અત્યંત આઘાતજનક કિસ્સો પણ બહાર આવ્યો હતો, જેમાં માત્ર 12 વર્ષની એક કિશોરી ગર્ભવતી હોવાનું જણાયું હતું. સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા એકમની દરમિયાનગીરી બાદ પરિવારનું કાઉન્સેલિંગ કરીને 4 ડિસેમ્બરના રોજ ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

સમાજ સુરક્ષા અધિકારી આરતીબેનના જણાવ્યા મુજબ, આ કેસમાં બાળલગ્ન કરાવનારા પિતા સામે કાયદાકીય ફરિયાદ નોંધાઈ શકે છે (સસરાનું અવસાન થયું હોવાથી). આ ઉપરાંત, નિરક્ષર કિશોરીને શિક્ષણ આપવાની જવાબદારી હવે બાળ સુરક્ષા એકમે ઉપાડી છે. તંત્ર દ્વારા બાળલગ્નના પુરાવા એકત્રિત કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.