Mehsana Rain:  મહેસાણા જિલ્લાના ઊંઝા અને બહુચરાજી તાલુકામાં લાભ પાંચમ પહેલાં જ કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો પર આભ ફાટ્યું છે. વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઊંઝામાં સવારે છ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કારતક માસમાં જાણે અષાઢી માહોલ સર્જાયો છે.

Continues below advertisement

જનજીવન અને માળખાકીય સુવિધાઓને અસરભારે વરસાદના પગલે જનજીવન પર અસર જોવા મળી છે. ઊંઝામાં એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે, જેના કારણે ઊંઝા હાઈવેથી શહેરના પ્રવેશદ્વાર તરફ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ જ રીતે, બહુચરાજીમાં પણ ધોધમાર વરસાદથી અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બહુચરાજીમાં ઉમિયા માતાજી મંદિર રોડ પર અને ઉમિયા માતા દેશની વાડી પાસે પણ પાણી ભરાયા હતા.

 ખેડૂતોને વ્યાપક નુકસાનકમોસમી વરસાદ અને પવનના મિશ્ર માહોલે જગતના તાતને બરબાદ કર્યા છે. ખેડૂત દિનેશભાઈના જણાવ્યા મુજબ, વરસાદથી શાકભાજીના પાકને મોટું નુકસાન થશે. જ્યારે અન્ય એક ખેડૂત બળદેવ પટેલે ચિંતા વ્યક્ત કરી કે કપાસના તૈયાર કાલાને વધુ નુકસાન થયું છે અને વાવેતર કરેલો રાયડો પણ બળી જવાની ભીતિ છે.

Continues below advertisement

ખેડૂતોના તૈયાર પાક જેવા કે કપાસ, કઠોળ અને જુવાર સહિતના પાકોને આ કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન પહોંચ્યું છે. લાભ પાંચમ પહેલા જ વરસાદે ખેડૂતોને મોટી આર્થિક નુકસાની તરફ ધકેલી દીધા છે. જોકે, જિલ્લાના અન્ય તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી: ખેડૂતોની ચિંતામાં વધારોગાંધીનગર: પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ અનુમાનના પગલે દક્ષિણ ગુજરાતના બંદરો પર LCS-3 સિગ્નલ અને સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

 ક્યાં ક્યાં પડશે વરસાદ?આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે હળવાથી ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે આજે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે.

તૈયાર પાકને નુકસાનની ભીતિઅરબી સમુદ્રમાં સક્રિય થયેલા આ ડિપ્રેશનને કારણે ખેડૂતો માટે આગામી ત્રણ દિવસ ભારે સાબિત થઈ શકે છે. જો આ સમયે વરસાદ ખાબકશે તો કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.