Mehsana News: મહેસાણાના વિસનગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં સચિન ચોધરી નામના એસ આર પી જવાનનુ મોત થયું હતું. ઘરેથી રોડ પર જતા સમયે અજાણ્યો વાહન ચાલક એસઆરપી જવાનને ટક્કર મારી ફરાર થયો હતો. અજાણ્યાં વાહનની ટકકરે એસ આર પી જવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક જવાન મહેસાણા ઓએનજીસીમાં ફરજ બજાવતો હતો.
અમદાવાદમાં પણ બે દિવસ પહેલા હિટ એન્ડ રનનો કિસ્સો બન્યો હતો. ઓઢવ રિંગરોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સવસ રોડ ઉપર ટ્રેલરના ચાલકે પૂર ઝડપે હંકારીને એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે રસ્તા ઉપર પટકાતા યુવતી ઉપર ટ્રેલરનું ટાયર ફળી વળતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નિકોલમાં રહેતા અને ઓઢવ ખાતેની કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરતી યુવતી ગઇકાલે સાંજે નોકરીથી પોતાનું એક્ટિવા લઇને ઘરે જતા હતા. ત્યારે ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી નિકોલ તરફ જતા સવસ રોડ પાસે પહોંચ્યા ત્યારે પૂર ઝડપે આવી રહેલ ટ્રેલરના ચાલકે તેમના વાહનને ટક્કર મારી હતી. ટ્રેલરની ચાલકથી યુવતી રોડ ઉપર પટકાઇ હતી. બીજીતરફ ટ્રેલરનું ટાયર તમના માથા સહિત શરીર ઉપર ફળી વળ્યું હતું. જેથી ગંભીર ઈજાઓ થતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આ સમયે ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઈ ડિવિઝન પોલીસે ફરાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલા રાજકોટના કણકોટ રોડ પર રાત્રે હીટ એન્ડ રનની ઘટના બની હતી. પૂરપાટ ઝડપે જતી કારે એક વૃદ્ધાને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વૃદ્ધાને 4 કિલોમીટર સુધી ઢસડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં વૃદ્ધાનું મોત થયું હતું. આ બનાવ બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી. રાજકોટના કણકોટ રોડ પર બેફામ સ્પીડે એક અર્ટીગા કાર આવી હતી અને રોડની સાઇડમાં પુત્ર સાથે ચાલી રહેલા વિજ્યાબેન નામના વૃદ્ધાને ઠોકર મારી હતી. અકસ્માત બાદ કાર ઉભી રાખવાના બદલે કાર ચાલક 4 કિ.મી. સુધી વિજ્યાબેનને ઢસડીને લઇ ગયો હતો. આ બનાવ સમયે હાજર પુત્ર કારની પાછળ દોડ્યો હતો પરંતુ કાર ચાલકે ઉભી રાખી ન હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારનો પીછો કર્યો હતો. જોકે 4 કિ.મી. દૂર વિજ્યાબેનનો મૃતદેહ મળ્યો હતો. અકસ્માતની ઘટનાને પગલે કણકોટ રોડ વિસ્તારના સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.