મહેસાણાઃ ગુજરાતના મહેસાણાના નિવાસી ડો. છગનભાઈ નાનજીભાઈ પટેલ (સીએન પટેલ)ને વર્ષ 2020-2021 માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. મુંબઈ સ્થિત એબીવીપીના કેન્દ્રીય કાર્યાલયથી ચૂંટણી અધિકારી ડો. ઉમા શ્રીવાસ્તવે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, એબીવીપીના અધ્યક્ષ પદ પર ડો. પટેલ અને મહામંત્રી પદ પર નિધિ ત્રિપાઠીની એક વર્ષ માટે બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. એબીવીપીના બંને નવનિયુક્ત પદાધિકારી 25-26 ડિસેમ્બરે નાગપુરમાં આયોજિત 66માં રાષ્ટ્રીય અધિવેશનનો પદભાર ગ્રહણ કરશે.


55 વર્ષીય છગનભાઈ પટેલ ગુજરાતના મહેસાણા જિલ્લાના છે અને ફાર્મસીમાં પીએચડી કરી છે.હાલ તેઓ મહેસાણાની  સાર્વજનકિ ફાર્મસી કોલેજમાં પ્રોફેસર અને પ્રિન્સિપાલ છે.  ઉપરાંત ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના બોર્ડ સભ્ય છે.

પટેલે 23થી વધારે વિદ્યાર્થીઓનું ફાર્મસી સંબંધિત વિવિધ વિષયોમાં રિસર્ચ અંગે માર્ગદર્શન કર્યું છે. આ ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ ઓફ ભારતના સભ્ય પણ છે. 1996થી તેઓ વિવિધ ટેક્નિકલ એજ્યુકેશન સાથએ સંકળાયેલા છે. ગુજરાત એબીવીપીના પ્રમુખ તરીકે તેઓ 2013થા 2016 સુધી કાર્યરત રહ્યા હતા.

આ ઉપરાંત 2016 થી 2019 સુધી નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા હોવાનું એબીવીપીના પ્રોફાઇલિંગ સ્ટેટમેન્ટમાં જણાવાયું છે.