Visanagar : મહેસાણાના વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી સામે આવી છે. મહેસાણાના વિસનગર તંત્રની ગંભીર લાપરવાહીને કારણે એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે. ખુલ્લી ગટરમાં વરસાદી પાણી સાથે એક બાળકી ગરકાવ થઇ હતી. ગટરમાં બાળકી ગરકાવ થતાં સ્થાનિકોના મોટા ટોળા ઉમટ્યાં હતા. બનાવની જાણ થતા નગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.
ગટરના ખુલ્લા ઢાંકણામાં બાળકી ગરકાવ થઇ હતી. ધોરણ આઠમાં અભ્યાસ કરતી બાળકી પાણીમાં ગરકાવ થતાં લોકોમાં તંત્ર પ્રતે રોષ ભભૂક્યો હતો. મળતી જાણકારી મુજબ આ બાળકીનું કરૂણ મોત થયું છે. પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ બાળકીના મોત પાછળ જવાબદાર કોણ?
દાહોદમાં કૂંવામાં ફેંકેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત
દાહોદમાં કૂંવામાં ફેંકેલી નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા ભે ગામમાં બની છે. ગ્રામજનોને જાણ થતા આ બાળકીને કુંવામાંથી બહાર કાઢવામાં આવી હતી અને સારવાર માટે ઝાયડ્સ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકીનું મોત થતા ગ્રામજનોમાં ગમગમી ફેલાઈ છે.
આ સમગ્ર ઘટનામાં ફરિયાદી કે જેણે આ મામલે ફરિયાદ નોંધાવી હતી એ મહિલાની દીકરીએ જ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે. 19 વર્ષીય મોનીકા કમલેશ નિનામાં અને જોખલા કસના હઠીલાભાઈ સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ઇપકો.કલમ 315, 317 હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નખત્રાણાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો
કચ્છના નખત્રાણા નગર માટે સારા છે. નખત્રાણા નગર અને નગરજનોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ગુજરાત સરકારના મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ નખત્રાણામાં આ જાહેરાત કરી છે.
2001ના ધરતીકંપ બાદ આ નખત્રાણા નગરની વસતી તેમજ વ્યાપ વધ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ બહારથી પણ મોટી સંખ્યામાં લોકો ધંધા રોજગાર માટે અહીં આવીને વસ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર નખત્રાણા નગરની જનસંખ્યા પણ ત્રીસ હજારની આસપાસ છે. છેલ્લા એક દાયકાથી આ નગરને નગરપાલિકાનો દરજ્જો મળે તવી વખતો વખત માગણી થતી આવી છે, જે આજે સંતોષાઈ છે.