Dudhsagar Dairy Mehsana: મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. આજે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ 'લાફાકાંડ' નો આરોપ લાગ્યો છે, અને આ મામલો સીધો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
પ્રાપ્ત માહિતી અનુસાર, દૂધસાગર ડેરી દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી પત્રિકામાં આ મહિનાના દેવા તરીકે ₹14 કરોડ દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ નો દાવો હતો કે વાસ્તવિક દેવું ₹17 કરોડ નું છે. બોર્ડ મીટિંગમાં યોગેશભાઈ પટેલે આ મુદ્દે મેનેજિંગ ડિરેક્ટર (MD) ને પ્રશ્ન પૂછ્યો હતો.
વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલના આરોપ મુજબ, પ્રશ્નોતરી દરમિયાન ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પ્રશ્નનો જવાબ ન આપી શકતા ઉગ્ર થઈ ગયા હતા અને તેમને લાફો માર્યો હતો. ત્યારબાદ, ચેરમેનના નજીકના ગણાતા ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ વાઇસ ચેરમેને લગાવ્યો છે. આ ઘટના બાદ યોગેશભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ચેરમેન અશોક ચૌધરીનું નિવેદન
બીજી તરફ, ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે, "આજની દૂધસાગર ડેરીની સામાન્ય મીટીંગ હતી જે દર મહિને યોજાતી હોય છે. અગાઉના મહિનામાં થયેલી કામગીરીની સમીક્ષા માટે આ મીટીંગ મળી હતી. મીટીંગ શરૂ થતા જ વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલે લેખિતમાં લાવેલા પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના અમે શાંતિપૂર્ણ રીતે એકથી સવા કલાક સુધી જવાબ આપ્યા હતા."
ચૌધરીએ વધુમાં કહ્યું કે, "દૂધસાગર ડેરીના વહીવટમાં પશુપાલકોને સારા ભાવ મળે તે માટે અમે પારદર્શકતા અને કરકસર સાથે વહીવટ કરી રહ્યા છીએ, જેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. વાઇસ ચેરમેને પૂછેલા પ્રશ્નોના અમે ખુલાસા આપ્યા હતા, તેમ છતાં તેઓ ઉભા થઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જોકે, બોર્ડના સભ્યોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં તેઓ મર્યાદા ચૂકીને ખરાબ શબ્દો બોલતા હતા. હાથ ઉપાડવાની વાત પાયાવિહોણી છે. તેઓ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા હતા."
ચેરમેન અશોક ચૌધરીએ આક્ષેપ કર્યો કે, "વાઇસ ચેરમેન આજે ચાર્જિંગમાં જ હતા કે આજે બોર્ડ મીટિંગમાં અમારે ઝઘડો કરવાનો છે. આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે ત્યારે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. ડેરીનો સરસ વહીવટ ચાલે છે તેને બદનામ કરવા માટે આ કાવતરું રચાયું છે."
રાજકીય ગરમાવો
આ ઘટના બાદ દૂધસાગર ડેરીના ડિરેક્ટરો બે જૂથમાં વહેંચાઈ ગયા છે. ભાજપના મેન્ડેટ પર લડેલા ડિરેક્ટરો અશોકભાઈ ચૌધરી પેનલ અને કનુભાઈ ચૌધરી પેનલમાં જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં ડેરીની ચૂંટણી જાહેર થાય તેવા સંકેતો છે, ત્યારે ફરી એકવાર ભાજપના બે જૂથો આમને-સામે આવતા મહેસાણાના દુધિયા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે.