Mehsana Game Zone: ગઇકાલે રાજકોટમાં ચાલી રહેલી ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગવાની ઘટના બાદ સરકાર એક્શન મૉડ પર છે, રાજ્યમાં તમામ જગ્યાઓ પર ચાલતા ગેમ ઝૉનની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ અંતર્ગત આજે મહેસાણામાં તપાસ દરમિયાન એક ગેમ ઝૉનમાં મોટી લાલિયાવાડી સામે આવી છે. અહીં જિલ્લાના પાંચોટ પાસે આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝૉનમાં આ લાલિયાવાડી જોવા મળી હતી. અહીં પતરાંના શેડમાં ગેમ ઝૉન ચાલી રહ્યો હોવાનું ખુલ્યુ હતુ. ખુદ અધિકારીએ આ વાતને સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ ગેમિંગ ઝૉનમાં ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે અને આગામી 28 મે સુધીમાં રાજ્યના તમામ ગેમિંગ ઝૉનની ચકાસણીના રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સોંપવાનો આદેશ કરવામાં આવ્યા છે.
ગઇ કાલે રાજકોટમાં ગેમ ઝૉનમાં બનેલી દૂર્ઘટના બાદ મહેસાણા તંત્ર હરકતમાં આવ્યું હતુ, આજે જિલ્લામાં આવેલા વિવિધ ગેમ ઝૉનમાં ગાંધીનગર અધિકારી અને મહેસાણા કલેક્ટરની ટીમ તપાસ માટે પહોંચી હતી. જ્યાં જિલ્લાના પાંચોટ નજીક આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝૉનમાં મોટી લાલિયાવાડી જોવા મળી હતી. અહીં અધિકારીઓ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યુ હતુ કે, અહીં પતરાંના શેડની નીચે ગેમ ઝૉન ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે ખુદ ફાયર વિભાગના અધિકારીઓએ કબુલ્યુ છે કે હંગામી બનાવેલા શેડની અંદર આ ગેમ ઝૉન ચાલી રહ્યું છે.
તો વળી બીજીબાજુ આ ગેમ ઝૉનની અંદર ના તો કોઇ ફાયર સેફ્ટી છે, ના કોઇ સુરક્ષાના સાધનો જોવા મળ્યા છે. મહેસાણા પ્રાંત અધિકારી અને ફાયર વિભાગના અધિકારીઓ સાથે રહી ગેમ ઝૉનની તપાસ શરૂ કરી છે. અહીં આવતા લોકો પાસે ગેમ ઝૉનના સત્તાધીશો બાંહેધરીપત્રક પણ ભરાવીને સાઇન પણ કરાવતા હતા.
રાજકોટ ટીઆરપી ઝોનમાં આ 27 લોકો લાપતા, જુઓ યાદી
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકો લાપતા થયાના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.
રાજકોટ ટીઆરપી ઝોનમાં આ 27 લોકો થયા લાપતા
- નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
- પ્રકાશભાઈ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
- વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.44)
- ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
- સુનિલભાઈ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ.45)
- ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
- અક્ષત કિશોરભાઈ ઘોલરીયા (ઉ.વ.24)
- ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
- હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
- વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
- કલ્પેશભાઈ બગડા
- સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
- નિરવ રસિકભાઈ વેકરીયા (ઉ.વ. 20)
- સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ.17)
- શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
- જયંત ગોટેચા
- સુરપાલસિંહ જાડેજા
- નમનજીતસિંહ જાડેજા
- મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.વ.25)
- ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ.35)
- વિરેન્દ્રસિંહ
- કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ.18)
- રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ.12)
- રમેશ કુમાર નસ્તારામ
- સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
- મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)
રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.