મહેસાણાઃ મહેસાણા બાયપાસ ખારી નદી નીચેથી લાશ મળવાના મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહેસાણામાં બે દિવસ પહેલા યુવતીની હત્યા બાદ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી. મહેસાણા પોલીસે માત્ર 48 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મૃતક યુવતીની માતાના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક ભુમી જાટ તેની માતા સાથે સિદ્ધપુર રહેતી હતી. માતાના પ્રેમી ચાણસ્માના પરેશ જોષીએ હત્યા કરી હતી.
ભૂમિને ફરવાના બહાને મહેસાણા લાવી હત્યા બાદ સળગાવી હોવાનું સામે આવ્યું છે. યુવતીને હથોડાના ઘા મારી ક્રૂર હત્યા કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહેસાણા પોલીસે હત્યારા પ્રેમીની ચાણસ્માથી અટકાયત કરી છે. નોંધનીય છે કે, ગત મંગળવારે મહેસાણાના બાયપાસ હાઈવે પર ખારી બ્રિજ નીચેથી હત્યા કરીને સળગાવેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી.
ગુરૂવારે એસપી દ્વારા 7 ટીમો બનાવીને 100 જેટલી ગુમ યુવતીઓ, ઘટના સ્થળ નજીકના ટાવરમાં ટ્રેસ થયેલા 2600 મોબાઈલ નંબર, સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેમાં યુવતીની ઉંમર 18થી 20 વર્ષની હોવાનું એનાલિસિસ કરાયું હતું.
ઈડરઃ એક અત્યંત આઘાતજનક ઘટનામાં ઇડરમાં કોઈ હવસખોરે માનસિક અસ્થિર મગજની મહિલા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધીને પોતાની હવસ સંતોષવા બળાત્કાર ગુજાર્યો હતો. ઈડરના જલારામ મંદિર સામે આવેલા પ્લોટમાંથી હવસખોરનો ભોગ બનેલી મહિલા માનસિક અસ્થિર મગજની મહિલા લોહી નિંગળતી હાલતમાં મળી આવતાં આ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો.
માનસિક અસ્થિર મગજની મહિલાને તાત્કાલિક 108 નંબરની એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. માનસિક અસ્થિર મગજની મહિલાની હાલત ખરાબ થતાં ઇડર સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઇડર પોલીસે આ ઘટનામાં દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.