Mehsana: મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના સતત વધી રહી છે. એક જ દિવસમાં બે અલગ અલગ ઘટનામાં બે લોકોના કરૂણ મોત થયા છે. મેવડ બસ સ્ટેન્ડ પાસે અજાણ્યાં વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત થયું છે. રોડ પર ઉભેલા વ્યક્તિને અજાણ્યો વાહન ચાલક ટકકર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


બીજી ઘટના મહેસાણા મહેસાણા ઉંઝા રોડ પર ભાંડુ ગામના પાટિયા પાસે બની હતી. જેમાં રોડ પર ચાલતા જતા યુવાનને કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકનું નામ અજય કુમાર પટેલ હોવાનું જાણવા મળ્યું છે.


રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રક પાછળ ઘૂસી કાર, બે જણાના ઘટનાસ્થળે મોત


રાજ્યમાં અકસ્માતનો સિલસિલો વણ થંભ્યો છે.  રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટ- જામનગર હાઈવે પર મોડીરાત્રે ચાલુ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યકિતના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વૃદ્ધ મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે કારમાં સવાર બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.


રાજકોટથી વિસાવદર જતી જાનની બસને નડ્યો અકસ્માત, બસને બહાર કાઢવા ક્રેનની લેવાઈ મદદ


ગોંડલ ગુંદાળા ચોકડી પાસે જાનની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વચ્ચે અકસ્માત સર્જાયો છે. જાનૈયાઓને લઈ રાજકોટથી વિસાવદર જતી બસને ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં નોનવેજની લારીને અડફેટે લઈ કારખાનાની દીવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 15 થી 20 જાનૈયાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. આ અકસ્માતની ઘટનાને લઈને લોકોના ટોળા એકઠા થયા હતા. અકસ્માત બાદ ક્રેનની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.