મહેસાણાઃ મહેસાણા જિલ્લાના એક ગામમાં રહેતા અને ભુવાપણું કરતા ભુવાને બાજુના ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ યુવતીની સાથે લગ્ન કરવા માટે પરણીત ભૂવાએ પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, યુવતીએ પણ પ્રેમીની પત્નીને પતિને છોડીને જતા રહેવાનું કહેતા પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મહેસાણા જિલ્લાના એક ગામમાં ભુવાપણું કરતાં યુવકે 14 વર્ષ પહેલા લગ્ન કર્યા છે. શરૂઆતમાં તો ઘરસંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. જોકે, થોડા સમય પછી પતિ અને સાસરીવાળાએ દેહજ માંગવાનું શરૂ કર્યું હતું. તેમજ સાસરીવાળા તું ઓછું ભણેલી છે અને વધારે ભણેલી વહુ લાવવાની છે, તેમ કહી તેને ત્રાસ આપવા લાગ્યા હતા. જોકે, પોતાનું ઘર ભાંગે નહીં તે માટે પરિણીતા બધું સહન કરતી હતી.
દરમિયાન ભુવાપણુ કરતા પતિ પાસે માનતા કરવા આવતી બાજુના ગામની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. તેમજ યુવતી અને ભુવાએ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધું હતું. યુવતીએ તો પ્રેમીની પત્નીને ચોખ્ખુ કહી દીધું હતું કે, મારે તારા પતિ સાથે પ્રેમસંબંધ છે અને લગ્ન કરીને અહીં રહેવાનું છે. તું અહીંથી જતી રહે.
આમ, પતિના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેણે સાસરીવાળાને આ અંગે વાત કરી હતી. જોકે, બધાએ દીકરાનો જ સાથ આપ્યો હતો. અંતે કંટાળીને પરિણીતાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં તમામ સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણઃ બે યુવતીઓએ રહસ્યમય સંજોગોમાં કેનાલમાં કૂદીને કરી લીધો આપઘાત, બંનેનો પરિવાર શોકમાં ગરકાવ
પાટણ: હારીજના (harij) ભલાણા ગામ પાસેની કેનાલમાં (canal) ઝંપલાવી બે યુવતીઓએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. રહસ્યમય સંજોગોમાં યુવતીઓએ આપઘાત કરી લેતા બંનેના પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયા છે. ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળેલી બંને ફ્રેન્ડે એકસાથે આપઘાત કરી લીધો છે. બપોરે ઘરેથી નીકળેલી યુવતીઓ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. હારીજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શંખેશ્વર તાલુકાના સિપર ગામની 21 વર્ષની સ્નેહલ નનુભાઈ જાદવ અને મુબારકપુરાની 23 વર્ષની જયશ્રી ગગજીભાઈ સિંધવ બંને ફ્રેન્ડ છે. તેઓ ગત પહેલી મે ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
પરિવારે શોધખોળમાં કરતાં બંનેએ કોઈ અગમ્ય કારણોસર હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કરુણ બનાવને પગલે બંનેના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરી છે.