મહેસાણા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં મહેસાણામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના જોટાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદના કારણે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોઢેરા રોડ પર રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય શહેરના ગોપીનાળામાં પણ પાણી ભરાઇ ગયા હતા. પાણી ભરાતા ગોપીનાળામાં બસ ફસાઈ હતી. ઉપરાંત ખેરાલુ, વડનગરમાં પણ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
બીજા રાઉન્ડની શરૂઆતમાં જ બનાસકાંઠા પાણી-પાણી
ગઇકાલથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે, આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ વાત છે કે, છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠા જિલ્લામાં જોરદાર બેટિંગ કરી છે, અને ઠેર ઠેર પાણી પાણી કરી દીધા છે. આ બધાની વચ્ચે અહીં ગઇકાલેથી શરૂ થયેલા છેલ્લા 24 કલાકના બનાસકાંઠા જિલ્લાના વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદના 24 કલાકના આંકડા...
વાવ 18 મીમી
થરાદ 49 મીમી
ધાનેરા 25 મીમી
દાંતીવાડા 36 મીમી
અમીરગઢ 35 મીમી
દાંતા 61 મીમી
વડગામ 43 મીમી
પાલનપુર 76 મીમી
ડીસા 38 મીમી
દિયોદર 60 મીમી
ભાભર 35 મીમી
કાંકરેજ 36 મીમી
લાખણી 81 મીમી
સુઇગામ 33 મીમી
બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં જોરદાર વરસાદ તુટી પડ્યો છે, જિલ્લામાં સૌથી વધારે લાખણી, પાલનપુર, દાંતા અને દિયોદરમાં વરસાદ ખાબક્યો છે. આંકડા પ્રમાણે, સાડા ત્રણ ઇંચ લાખણીમાં, ત્રણ ઇંચ પાલનપુરમાં અને દાંતા અને દિયોદરમાં અઢી- અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે.
પોરબંદરમાં ચાર ઇંચ વરસાદ
સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ચૂકી છે, અને ઠેક ઠેકાણે બીજા રાઉન્ડનો વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, હવે આંકડા પોરબંદરમાંથી સામે આવ્યા છે. અહીં ગઇરાત્રે પડેલા ભારે વરસાદે લોકોને ઉકળાટથી રાહત આપી છે. મળતી માહિતી પ્રમાણે, પોરબંદરમાં મેઘરાજા મહેરબાન થઇ ગયા છે, પોરબંદરના સુદામાપુરી વિસ્તારમાં ગઇરાત્રે અચાનક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, અને આ કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં પડી રહેલા વરસાદથી લોકોને ઉકળાટથી રાહત મળી છે. જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ પોરબંદરમાં 90 મીમી વરસાદ ખાબક્યો છે