સાબરકાંઠાઃ ઈડરના કડીયાદરા નજીક ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વિજયનગરના પોળો તરફથી ઇડર તરફ આવતી રીક્ષાને અકસ્માત હતો. આ અકસ્માતમાં બે બાળકો અને રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે. રિક્ષામાં સવાર સાત લોકો ઇજાગ્રસ્ત થતા ઇડર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 


અકસ્માત એટલો ભયંકર હતો કે, આખી રીક્ષા પડીકું વળી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય એક ઘટનામાં, સામાન્ય વરસાદમાં અમદાવાદ ભુવા નગરી બની ગયું છે. સરખેજ વિસ્તારમાં રોડ ઉપર ભૂવો પડતા વાહન ભુવામાં ગરકાવ થયું હતું. રિક્ષાચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે 15 ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા ભૂવામાં રીક્ષા સાથે ખાબક્યો હતો.  17 ફૂટ ઊંડા ભૂવામાં રીક્ષા ખાબકતા રિક્ષાચાલક ઘાયલ થઈ ગયો હતો. 

ભૂવામાં ખાબકેલા રિક્ષાચાલકને બચાવવા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 30 મિનિટની ભારે જહેમત બાદ ભૂવામાં ગરકાવ થયેલી રિક્ષાને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 


વરસાદ બાદ ચાંદલોડિયા વિસ્તારમાં પાણી ભરાયા હતા. એસજી હાઈવેથી ચાંદલોડિયા આવતા રોડ પર પાણી ભરાયા હતા. રસ્તા પર ખાડા અને પાણી ભરજવાથી સવારથી શહેરીજનો પરેશાન છે.


 


શહેરમા વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટાથી કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગોતા એસજી હાઈવે સર્વીસ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. ૧ કિમી સુધિ સર્વિસ રોડ પર ભરાયા વરસાદી પાણી.  સરેરાશ માત્ર એક ઈંચ વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ભરાયા હતા. મ્યુનિ.નો મોન્સુન પ્લાન પાણીમાં ધોવાયો હતો. શહેરના એક ડઝનથી વધુ સ્થળોએ દોઢથી બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા, શાસ્ત્રીનગરમાં ખાડામાં બસ ફસાઈ,અનેક વિસ્તારોમાં વાહનો પાણીમાં ફસાયા હતા. 

અમદાવાદ શહેરમાં સાંજે 6 કલાક સુધી 26.38 મીમી વરસાદ ખાબક્યો હતો. બોડકદેવ સાયન્સ સીટી ગોતા આસપાસના વિસ્તારમાં 43.88 મિમી વરસાદ પડ્યો હતો. સરખેજ જોધપુર બોપલ વિસ્તારમાં 34.52 મિમી વરસાદ, તો પૂર્વ વિસ્તારમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.


રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ૨૦ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.