મહેસાણા અર્બન બેન્કના ડિરેકટર કિરીટ પટેલ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુસાઇડ નોટમાં કિરીટ પટેલે બે મહિલા સહિત 5 લોકોએ 2.40 કરોડની છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.


 


મળતી જાણકારી અનુસાર, મહેસાણા અર્બન બેન્કના ડિરેકટર કિરીટ પટેલના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. કિરીટ પટેલે પાંચ લોકોએ તેમની સાથે કરોડોની ઠગાઇ કરી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે પાંચ લોકોની ટોળકીએ વિધાનસભાની ચૂંટણી સમયે બહુચરાજી બેઠક પરથી ભાજપની ટિકિટ આપવાના બહાને લગભગ અઢી કરોડ રૂપિયા પડાવ્યા હતા.  નિલેશ ત્રિવેદીએ વિધાનસભાની ચૂંટણી પહેલા કિરીટ પટેલ સાથે મુલાકાત કરી હતી.  જે બાદ આ ટોળકી સાથે ત્રણ વખત કિરીટ પટેલ દિલ્હી ગયા હતા.


બાદમાં આરોપીઓએ કિરીટ પટેલ પાસે ટિકિટના બદલામાં અઢી કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેના કારણે કિરીટ પટેલે તેમને આ રૂપિયા આપ્યા હતા. જોકે તેમને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ના મળે તો સિક્યોરિટી માટે આરોપી ટોળકીએ કિરીટ પટેલને એડવાન્સ ચેક પણ આપ્યા હતા. બાદમાં ટિકિટ ના મળતા કિરીટ પટેલે આ ચેક બેન્કમાં નાખ્યા હતા પરંતુ ચેક રિટર્ન થયા હતા. જેના કારણે મહેસાણા કોર્ટમાં ચેક રિટર્નની પણ ફરિયાદ નોંધવામાં આવી હતી.


મહેસાણાના આ ગામની દૂધ મંડળીમાંથી મંત્રીએ કરી હજારો રૂપિયાની ઉચાપત


મહેસાણા જિલ્લામાંથી દૂધ મંડળીમાં ઉચાપત થયાની ફરિયાદ નોંધાયાની ઘટના સામે આવી છે. જિલ્લાના સોખડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પર 40 હજારથી વધુ રૂપિયાની ઉચાપત કર્યાનો આરોપ લાગ્યો છે, અને આ અંગે વસાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. 


માહિતી એવી છે કે, મહેસાણા જિલ્લાના વિજાપુરના સોખડા ગામમાં આવેલી સોખડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી સામે ઉચાપતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ ફરિયાદ ખુદ ડેરીના વર્તમાન પ્રમુખે પોલીસમાં નોંધાવી છે. ફરિયાદ અનુસાર, સોખડા દૂધ મંડળીના મંત્રીએ બૉગસ ખાતા ખોલીને રૂપિયા 42370ની ઉચાપત કરી છે. મંડળીના મંત્રીના આ કૃત્યમાં ડેરીમાં ફરજ બજાવતા અન્ય 3 કર્મચારીઓએ પણ સાથ આપ્યો હોવાની વાત છે. આ ઉચાપતમાં ડેરીના મંત્રી પટેલ પંકેશકુમાર ચમનલાલ સહિત 4 વિરુદ્ધ પ્રમુખે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. તારીખ 01 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022ના સમયગાળા દરમિયાન આ ઉચાપત થઇ હોવાની વાત છે. હાલમાં વસાઈ પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.