મહેસાણા: કડીની પૂજા હોસ્પિટલનાં ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં હોસ્પિટલ દ્વારા કરાતાં સોનોગ્રાફીમાં ક્ષતિઓ જણાતા મશીનો એફએસ એલમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લાની અંદર ગર્ભ પરીક્ષણ રોકવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મહેસાણા જિલ્લાની વિવિધ હોસ્પિટલો સ્ટિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ડમી દર્દીઓ મોકલી વિવિધ હોસ્પિટલની અંદર સોનોગ્રાફી અને ગર્ભ પરીક્ષણ થાય છે કે નહીં તે મુદ્દે તપાસ કરી હતી. જોકે આ તપાસમાં કેટલીક હોસ્પિટલોમાં ક્ષતિઓ જોવા મળી હતી. જેને પગલે કડીની પૂજા હોસ્પિટલ માંથી ત્રણ જેટલા સોનોગ્રાફી મશીન સીલ કરી તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.




મશીન સિલ કરી ગાંધીનગર એફએસએલમાં મોકલી આપ્યા


કડીની પૂજા હોસ્પિટલમાં આરોગ્ય તંત્રના સ્ટિંગમાં સોનોગ્રાફીના રેકર્ડ સહિતની ક્ષતિઓ બહાર આવી હતી. જેને પગલે પીસી પીએનડીટીની બેઠકમાં કલેક્ટરે સોનો

ગ્રાફી મશીન સીલ કરવા હુકમ કર્યો હતો. કડીની પૂજા મેટરનિટી હોમમાં બે મહિના પૂર્વે ગેરકાયદે જાતિ પરીક્ષણ અંગે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં વિવિધ ક્ષતિઓ બહાર આવી હતી. આરોગ્ય વિભાગે તબીબ ડૉ.રજનીકાંત ત્રિવેદીને નોટિસ પાઠવી સુનાવણી હાથ ધરી હતી અને ત્યાર બાદ આરોગ્ય વિભાગે મશીન સિલ કરી ગાંધીનગર એફએસએલમાં મોકલી આપ્યા છે.  


સોનોગ્રાફી મશીન ચેક કરીને તેનું સર્ટી પણ આપ્યું છે


જોકે આ મુદ્દે પૂજા હોસ્પિટલના માલિક ડોક્ટર રજનીકાંત ત્રિવેદી પોતાની નિર્દોષ કહ્યા છે. તેઓ કહે છે કે જો સોનોગ્રાફી મશીનમાં ક્ષતિ હતી તો છ મહિના પહેલા જ આરોગ્ય વિભાગના અધિકારીઓએ સોનોગ્રાફી મશીન ચેક કરીને તેનું સર્ટી પણ આપ્યું છે તો તે સમયે કેમ જાણ ન કરાય.


 


મહેસાણા જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણને લઈ અવારનવાર તપાસ હાથ ધરવામાં આવે છે. કેટલાક કેસોમાં ગર્ભ પરીક્ષણ પકડાય છે પણ ખરું પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારીની ઢીલી નીતિના કારણે ડોક્ટરો છૂટી જતા હોય છે ત્યારે ફરી એકવાર ગર્ભ પરીક્ષાના નામે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં પણ ભીનું સંકેલાય છે કે પછી કોઈ નક્કર કાર્યવાહી થાય છે. તંત્રની કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial