પાલનપુરઃ પાલનપુર-આબુ હાઇવે પર ગઈ કાલે મોડી સાંજે આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદી હાઈવેની સામેની બાજુ ધસી આવી હતી અને એક બાઇક તેમજ કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મોટા કરજા ગામના ત્રણ યુવકોના મોત થયા હતા. જ્યારે બે યુવકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્રણ યુવકોના મોતને પગલે અમીરગઢના મોટા કરજા ગામમાં શોકની લાગણી ફરી વળી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.



આ અંગેની વિગતો એવી છે કે, આબુરોડ તરફથી આવતી ફોરર્ચ્યુનર કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર કૂદી હાઈવેની સામેની બાજુ ધસી આવી હતી અને કાર તેમજ બાઇકને ટક્કરી મારી હતી. આ અકસ્માતમાં મોટા કરજા ગામના સજ્જનસિંહ મુકેશસિંહ ચૌહાણ(ઉં.વ. 21), વિપીસિંહ ગણપતસિંહ ચૌહાણ (ઉં.વ.22) અને હિતેન્દ્રસિંહ જામતસિંહ ચૌહાણ (ઉં.વ.21)ના મોત થયા હતા.

અકસ્માતને પગલે આજુબાજુના લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. 108ની ટીમે વાહનોમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. અમીરગઢ તાલુકાના કરજા રામપુરા ગામના યુવકો પાલનપુરમાં ગેરેજ સહિતનું કામ કરતા હતા. ત્યાંથી સાંજે પોતાના ઘરે કારમાં પરત ફરી રહ્યા હતા એ વખતે અકસ્માત નડતા ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.