મહેસાણાઃ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર મહેર થઈ છે અને છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. મહેસાણા જિલ્લાના સતલાસણામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતી છે અને છેલ્લા 12 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતાં આખું સતલાસણા પાણી પાણી થઈ ગયું છે.


શનિવારે પણ સતલાસણામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતાં છેલ્લા બે દિવસમાં સતલાસણામાં જોરદાર વરસાદ થયો છે.  છેલ્લા 24 કલાકમાં મહેસાણા અને ખેરાલુમાં 3 ઇંચ વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં જિલ્લામાં રાહતની લાગણી છે. રવિવારે પણ મહેસાણા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મૂશળધાર વરસાદ થઈ રહ્યો હતો.


મહેસાણામાં સતત પડી રહેલા વરસાદે મહેસાણા શેહેરના મુખી રોડ સહિતના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા હતા.  મહેસાણા શહેરમાં વહેલી સવારથી વરસાદ નું આગમન થઈ ગયું હતું અને શહેરના બી.કે. રોડ, નાગલપુર કોલેજ રોડ, મોઢેરા રોડ સહિત તમામ રોડ પર બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.  નાગલપુર કોલેજ પાસે ચાર ફૂટ કરતાં વધુ પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા હતા અને આખરે રોડ બંદ કર્યો હતો.