Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલે ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરી છે. ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં ફરી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. છૂટછવાયા ઝાપટા સિવાય રાજ્યમાં વરસાદ સદંતર બંધ છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે ફરી ગુજરાતમાં વરસાદના સંકેત આપ્યાં છે. અંબાલાલના આંકલન મુજબ રાજ્યમાં આગામી 10 થી 15 ઓગસ્ટ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 15 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી વરસાદની એન્ટ્રી થઇ શકે છે. અંબાલાલના આંકલન મુજબ 15 થી 20 ઓગસ્ટ વચ્ચે રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ટોપિકલ સ્ટ્રોમના પગલે વિરામ લીધેલ ચોમાસુ રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ ફરી સક્રિય થાય તેવો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઇ શક્યતા નથી. જોકે કેટલીક જગ્યાએ છુટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ એક્ટીવ નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 93 ટકા સુધી વરસાદ પડ્યો છે. જેમાં બે જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે. જેમાં ગાંધીનગર અને દાહોદનો સમાવેશ થાય છે.
થોડા દિવસોના વિરામ બાદ અનેક રાજ્યોમાં ફરી વરસાદની મોસમ શરૂ થવાની છે. ઉત્તર બાંગ્લાદેશ પર ચક્રવાત છે. જેના કારણે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 4-5 દિવસમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 7 દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
રાજધાની દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ અપેક્ષા નથી, પરંતુ પશ્ચિમી પવનોથી લોકોને રાહત મળતી રહેશે અને એક-બે દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયું હતું. જોકે પશ્ચિમી પવનોને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.