Mehsana:  મહેસાણામાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવો ભરવાની યોજના માટેનું ટેન્ડર બહાર પાડવામા આવ્યું છે. તાલુકાના તળાવો ભરવાની યોજના માટે 253.56 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.


આગામી 24 મહિનામાં ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવો ભરવા માટે પાઇપલાઇન અને સંપ સ્ટેશનનું કામ પૂર્ણ કરાશે. આજથી ટેન્ડર ભરવાની શરૂઆત થશે અને 11 સપ્ટેમ્બરે ટેન્ડર ખોલવામાં આવશે. આ યોજના મારફતે ખેરાલુ ચીમનબાઈ સરોવર અને અન્ય તળાવમાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. આ પાઇપલાઇનના કારણે ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડૂતોની વર્ષો જૂની માંગણીનો ઉકેલ આવશે.


તાજેતરમાં જ તપોવન આશ્રમ તારંગા ખાતે મહેસાણા જિલ્લા કક્ષાના ૭૪માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.  સતલાસણા તાલુકાના તારંગા ખાતે યોજાયેલા વન મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે બોલતા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઈ પરમારે જણાવ્યું હતું કે,” પ્રસિધ્ધ સાહિત્યકાર , શિક્ષણવિદ, અને ભારતના તત્કાલિન કૃષિમંત્રી કનૈયાલાલ મુનશીજીએ વૃક્ષો અને વનોનું ૫ર્યાવરણની જાળવણીમાં મહત્વ સમજીને સાત દાયકા ૫હેલાં વન અને વૃક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોક જાગૃતિ અને લોક સહકાર મેળવવા માટે વન મહોત્સવની ઉજવણી શરૂ કરાવી હતી


લોકોને વૃક્ષ ઉછેર સાથે ભાવનાત્મક રીતે સાંકળવાના હેતુસર વન મહોત્સવની ઉજવણીમાં ૨૦૦૪થી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાજયના જુદા જુદા
ધાર્મિક અને પર્યટક સ્થળો નજીક સાંસ્કૃતિક વનો સ્થાપવાની શરૂઆત થઈ હતી.  જે પૈકી મહેસાણા જિલ્લામાં તારંગા ખાતે “તિર્થકર વન” સાંસ્કૃતિક વન બન્યુ છે. સામાજિક વનીકરણ વિભાગ અને વહિવટી તંત્ર મહેસાણા આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાત રાજય વનવિકાસ નિગમના મેનેજિંગ ડિરેકટર મહેશ સિંઘે જણાવ્યુ હતુ કે , આપણા જીવનશૈલીમાં પર્યાવરણ જતન અપનાવીએ. રાજ્યમાં લીલોતરી ઝડપભેર વધે તે હેતુસર વૃક્ષ ખેતી અને એગ્રો ફોરેસ્ટ્રી યોજના અમલમાં મુકેલ છે. આ યોજનામાં આપણા ખેડૂતો જોડાય અને આર્થિક રીતે પગભર થાય તેવા વનખાતાના પ્રયાસો છે .પાણી- વિજળી બચાવવી એ પણ પર્યાવરણ જતન છે.


ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે,” રાજ્યનો આ ૨૨ મો વન મહોત્સવ છે. કોરોના કાળમાં આપણે વૃક્ષનું મહત્વ સમજ્યા છીએ અને પ્રાણવાયુ, વરસાદ , પર્યાવરણ આપણા માટે કેટલા મહત્વપૂર્ણ છે તે સમજાયુ છે.  317 કરોડ રૂપિયાની ખેરાલુ વિસ્તારમાં જે ગામોમાં પાણી નથી ત્યાં તળાવ ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તારંગા અને ધરોઈ ડેમને પ્રવાસન તરીકે વિકસાવવાનું આયોજન પ્રક્રિયામાં છે. જેના પગલે ઘણો વિકાસ થશે”