Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક મિની બસ રોડ કિનારે પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી, જેના કારણે તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.
મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બરખેડા વિસ્તારમાં શુક્રવારે સવારે એક મિનિબસ રસ્તાના કિનારે ઉભેલા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર બાદ મીની બસમાં આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સમયે બસમાં કુલ 28 લોકો સવાર હતા.
ઘાયલ લોકોને હોસ્પિટલ દાખલ કરાયા
બીજી તરફ, પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર (SDOP) મુનીશ રાજોરિયાએ જણાવ્યું કે 12 વર્ષના છોકરા સહિત ચાર ઘાયલ મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે 28 લોકોથી ભરેલી મિની બસ મધ્યપ્રદેશના ઈન્દોરથી ઉત્તર પ્રદેશના મથુરા જઈ રહી હતી તે દરમિયાન નેશનલ હાઈવે 46 પર અકસ્માત થયો હતો.
બસમાં સવાર લોકો મથુરાની યાત્રાએ જતાં હતા
તેમણે કહ્યું કે, “મિની બસમાં સવાર તમામ લોકો મથુરા યાત્રાએ જઈ રહ્યા હતા. આજે સવારે, ગુના જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર ચાચોડા તાલુકામાં બરખેડા ખાતે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે રસ્તાની બાજુએ પાર્ક કરાયેલા સ્થિર કન્ટેનર ટ્રકની પાછળ તેમનું વાહન અથડાયું હતું.
પોલીસ દુર્ઘટનાની કરી રહી છે તપાસ
એસડીઓપીએ કહ્યું કે અથડામણ થતાંની સાથે જ વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી, જેના કારણે મિની બસ આગની લપેટમાં આવી ગઈ. રાજોરિયાએ જણાવ્યું હતું કે આસપાસના લોકો વાહનમાં સવાર લોકોને બચાવવા દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢ્યા હતા. તેણે જણાવ્યું કે ઈન્દોરની રહેવાસી દુર્ગા (13), માધો (20) અને ખરગોનના રહેવાસી રોહિત સળગતી બસમાં ફસાઈ ગયા અને મૃત્યુ પામ્યા.