આજનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે શ્રીનિવાસ આયંગર રામાનુજનની જન્મજયંતિ છે. જેમણે માત્ર 32 વર્ષની જીંદગીમાં ગણિતના પોતાના જ્ઞાનથી સમગ્ર વિશ્વને ગૌરવ અપાવ્યું હતું. આ અવસર પર, દર વર્ષે 22 ડિસેમ્બરને દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રામાનુજનની સિદ્ધિઓનું સન્માન કરવા અને આ તારીખને યાદગાર બનાવવા માટે, ભારત સરકારે તેને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે માન્યતા આપી. વર્ષ 2012માં દેશના તત્કાલિન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે મદ્રાસ યુનિવર્સિટીમાં રામાનુજનની 125મી જન્મજયંતિની ઉજવણી દરમિયાન આ જાહેરાત કરી હતી.


ગણિતના કારણે બીજા વિષયમાં થતાં હતા ફેઇલ
રામાનુજનો જન્મ તમિલનાડુ રાજ્યના ઇરોડમાં 22 ડિસેમ્બર વર્ષ 1887માં થયો હતો. તેમણે 1903મં તંજાવુરના કુંભકોણમમાં સરકારી કોલેજમાં પ્રવેશ લીધો, અહીં તેમને ગણિતમાં જરૂરતથી વધુ રૂચી હોવાના કારણે તેમને બીજા વિષયોમાં ફેઇલ થવું પડતું હતું અથવા તો બહુ ઓછા માર્ક આવત હતા. આગળ જતાં તેમણે ગણિતના સિદ્ધાંતમાં બહુ મોટું યોગદાન આપ્યું.


12 વર્ષની ઉંમરે વિકસિત કર્યાં થ્યોરમ્સ
રામાનુજન બાળપણથી ગણિતમાં નિપુર્ણ હતા. માત્ર 12 વર્ષની ઉંમરમાં કોઇની મદદ વિના જ તેમણે ત્રિકોણમિતિમાં મહારત હાંસિલ કરી હતી અને અનેક થ્યોરમ્સને વિકસિત કર્યાં હતા. તેમણે મદ્રાસ વિશ્વવિદ્યાલયથી પણ અભ્યાસ કર્યો હતો. તેમણે 1911 મેથેમેટિક્સ સોસાયટીના જર્નલમાં બર્નૂલી નંબરો પર આધારિત 17 પેઇઝનું એક પેપર પબ્લિશ થયું હતું.


1917 માં મેથેમેટિકલ સોસાયટી માટે ચૂંટાયા
રામાનુજને વર્ષ 1916 માં ગણિતમાં તેમની B.Sc ડિગ્રી મેળવી. એક વર્ષ પછી, 1917 માં, તેઓ લંડન મેથેમેટિકલ સોસાયટીમાં ચૂંટાયા. કોઈની મદદ વિના, તેણે હજારો સમીકરણો બનાવ્યાં અને 3900 પરિણામોનું સંકલન કર્યું. આમાંના કેટલાક છે- રામાનુજન પ્રાઇમ, રામાનુજન થીટા ફંક્શન, ડિવિઝન ફોર્મ્યુલા અને મોક થીટા ફંક્શન વગેરે. બાદમાં તેમણે ગણિતની વિવિધ શ્રેણીઓ પર પણ તેમના સિદ્ધાંતો આપ્યા.


1918માં રોયલ સોસાયટીના ફેલો બન્યા
વર્ષ 1918 માં, રામાનુજન લંબગોળ કાર્યો અને સંખ્યાના સિદ્ધાંત પરના તેમના સંશોધન માટે રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા હતા. આ ફેલો માટે ચૂંટાયેલા તેઓ પ્રથમ ભારતીય હતા. ખાસ વાત એ હતી કે, રોયલ સોસાયટીના સમગ્ર ઈતિહાસમાં તેમનાથી નાનો કોઈ સભ્ય ત્યારે ન હતો અને ન તો આજ સુધી થયો છે. તે જ વર્ષે તેઓ ટ્રિનિટી કોલેજમાં પ્રથમ ભારતીય ફેલો તરીકે પણ ચૂંટાયા હતા. આજે પણ તેમના દ્વારા બનાવવામાં આવેલા આવા ઘણા પ્રમેય છે, જે ગણિતશાસ્ત્રીઓ માટે કોયડો સમાન બની ગયા છે.


32 વર્ષની વયે અવસાન થયું
રામાનુજન વર્ષ 1919માં ભારત પરત ફર્યા હતા. તેમણે 26 એપ્રિલ 1920ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1991 માં, તેમની જીવનચરિત્ર - The Man Who Know Infinity પ્રકાશિત થઈ. બાદમાં વર્ષ 2015માં આ બાયોગ્રાફી પર એક ફિલ્મ પણ બની હતી.