Chandra Kumar Bose Resigns:નેતાજી સુભાષ ચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે બુધવારે (6 સપ્ટેમ્બર) કહ્યું કે, મારી શુભેચ્છાઓ પાર્ટી સાથે છે, પરંતુ તેમણે તમામ સમુદાયોને એક જૂટ કરવા જોઈએ.
ચંદ્ર કુમાર બોઝે તેમના રાજીનામા પર કહ્યું, "2016 માં મેં ભાજપ જોઇન કર્યું હતું. પીએમ મોદીના નેતૃત્વમાં કામ કરવું સારું લાગ્યું પરંતુ ભાજપમાં જોડાયા પછી મને લાગ્યું કે તેઓ જે રાજકારણ કરે છે તે મારા અને નેતાજી સુભાષચંદ્ર બોઝના તમામ ધર્મોને એક કરવાના આદર્શ પ્રમાણે નથી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હંમેશા સાંપ્રદાયિક અને વિભાજનકારી રાજકારણ સામે લડ્યા હતા.
ચંદ્ર કુમાર બોઝે શું કહ્યું?
ચંદ્ર કુમાર બોઝે કહ્યું, "મેં ભાજપ અને બંગાળ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વને બંગાળ સ્ટ્રેટેજી અંગે ઘણા પ્રસ્તાવો આપ્યા હતા. આ દરખાસ્ત સારી માનવામાં આવે છે, પરંતુ તેનો અમલ ક્યારેય થયો નથી. જો મારા આદર્શો અને પ્રસ્તાવોને અનુસરવામાં ન આવે તો આ પાર્ટી સાથે રહેવાનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે મેં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને કહ્યું કે, પાર્ટી માટે શુભેચ્છાઓ છે, પરંતુ કૃપા કરીને આપ બધા જ સંપ્રદાયોને એક કરો.
ભાજપમાં જોડાવાનો હેતુ શું હતો?
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે કહ્યું કે, ભાજપમાં જોડાવાનો મારો હેતુ સરતચંદ્ર બોઝ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ધર્મનિરપેક્ષ વિચારધારાને દેશની સામે રજૂ કરવાનો હતો. મેં સ્પષ્ટ કહ્યું હતું કે આઝાદ હિંદ મોરચાની રચના થવી જોઈએ. મને આ મોરચાનું નેતૃત્વ સોંપવું જોઈએ, પરંતુ તેની રચના ક્યારેય થઈ નથી.