Parliament Monsoon:લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે, ભાજપની રાજનીતિએ મણિપુરમાં હિન્દુસ્તાન અને ભારત માતાની હત્યા કરી છે. રાહુલની આ ટિપ્પણી પર શાસક પક્ષના સાંસદો તરત જ ગુસ્સે થઈ ગયા અને ઉભા થઈને રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરવા લાગ્યા. શાસક પક્ષનું વલણ જોઈને વિપક્ષના સાંસદો પણ પોતાની બેઠક પરથી ઉભા થઈને ટેબલ તરફ આવ્યા હતા જો કે સ્પીકરે તેમને બેસવા પડ્યા.


રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મણિપુરમાં જે રીતે લોકોની હત્યા કરવામાં આવી છે, તે ભારત માતાની હત્યા સમાન  છે. રાહુલ ગાંધીએ  કહ્યું કે, મારી એક માતા અહીં સંસદમાં બેઠી છે અને તમે મણિપુરમાં બીજી માતાની હત્યા કરી છે.                                                                  


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુર હિંસા અંગે સંસદમાં મોટું નિવેદન આપ્યું હતું . રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમે ભારત માતાના રક્ષક નથી, પરંતુ ભારત માતાના હત્યારા છો. આ વાક્ય પર સ્પીકરે રાહુલ ગાંધીને ટોક્યા હતા પરંતુ તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હું મારી માતા વિશે વાત કરૂં છું.


આ સાથે રાહુલ ગાંધીએ તેમની મણિપુર હિંસા સમયની પીડિત મહિલાઓની આપવિતી પણ સંસદમા કહી હતી.  રાહુલે કહ્યું કે, જ્યારે હું ત્યાં ગયો ત્યારે મને બે મહિલાઓ મળી. એક મહિલાએ મને કહ્યું કે તેનો એકનો એક પુત્ર હતો, જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને હું આખી રાત તેના મૃતદેહ સાથે રહી. આ સાથે ઉદાહરણ આપતા રાહુલે મણિપુરમાં થયેલી હિંસા અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક પણ વખત ત્યાં ગયા નથી કારણ કે મણિપુર તેમના માટે હિન્દુસ્તાન નથી.