Narendra Modi Pakistan: પાકિસ્તાને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ આપેલા નિવેદન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં મોદીએ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનને બંગડીઓ પહેરાવી દઈશું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય રાજનેતાઓએ ચૂંટણી રેલી દરમિયાન પાકિસ્તાનને ખેંચવાનું ટાળવું જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય નેતાઓ ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે રાષ્ટ્રવાદી ભાવનાઓને ઉશ્કેરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં ભારતના લોકોમાં પાકિસ્તાન વિરોધી ભાવનાઓ ઉભી થાય છે. પાકિસ્તાને કહ્યું કે આ ચૂંટણી રણનીતિનો એક ભાગ છે પરંતુ આ પદ્ધતિ બંને દેશોના સંબંધો માટે નુકસાનકારક છે.
ડોનમાં છપાયેલા અહેવાલ મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું, 'ભારતીય નેતાઓએ સ્થાનિક ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે પાકિસ્તાનને ખેંચવાનું બંધ કરવું જોઈએ. અમે સંવેદનશીલ અને વ્યૂહાત્મક બાબતોમાં સાવધાની રાખવાની અપીલ કરીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય નેતૃત્વને પણ આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવા વિનંતી કરીએ છીએ, કારણ કે તે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ગંભીર ખતરો છે.
પાકિસ્તાને મોદીના નિવેદનને અધં રાષ્ટ્રવાદ ગણાવ્યો
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતીય નેતાઓ દ્વારા વારંવાર પાકિસ્તાન વિરોધી નિવેદનો ભારતની ઉગ્રવાદી માનસિકતા દર્શાવે છે. આવા નિવેદનથી ભારતીય નેતાઓના ઘમંડ નિષ્પન થાય છે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, ભારતના નેતાઓ પાકિસ્તાનનું નામ લઈને ચૂંટણીમાં ફાયદો ઉઠાવી રહ્યા છે.
પીએમ મોદીએ બિહારમાં બંગડીઓ પહેરવાનું નિવેદન આપ્યું હતું
હકીકતમાં, તાજેતરમાં કાશ્મીરી નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પાકિસ્તાન પાસેથી પીઓકે પાછું મેળવવું એટલું સરળ નથી. પાકિસ્તાન પરમાણુ દેશ છે અને તેણે બંગડીઓ પહેરી નથી. પીએમ મોદીએ બિહારના મુઝફ્ફરપુરમાં રેલી દરમિયાન આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓ સપનામાં પણ પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ જુએ છે. તેઓ કહે છે કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી, અરે જો આપણે કહીએ કે તેઓ બંગડીઓ નથી પહેરતા તો અમે તેમને પહેરાવી દઈશું. અમને ખબર ન હતી કે, પાકિસ્તાન પાસે બંગડીઓ પણ નથી.