Madhavi Raje Scindia Died: કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બુધવારે (15 મે) સવારે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે નિધન થયુ હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમણે સવારે 9.28 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી 'વેન્ટિલેટર' પર હતા. છેલ્લા ત્રણ મહિનાથી તેમની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેઓ ન્યૂમોનિયાની સાથે સાથે સેપ્સિસથી પીડિત હતા.






માધવી રાજેના નિધન પર રાજ્યના સંસ્કૃતિ, પર્યટન, ધાર્મિક ટ્રસ્ટ અને એન્ડોમેન્ટ મંત્રી ધર્મેન્દ્ર લોધીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પૂજનીય માતા માધવી રાજે સિંધિયાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. શોકગ્રસ્ત પરિવારને  દુઃખ સહન કરવાની શક્તિ આપે,ઓમ શાંતિ શાંતિ!!"


માધવી રાજે સમાજસેવામાં ખૂબ સક્રિય હતા.


દિલ્હીમાં તેમના નિધન બાદ માધવી રાજેના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે મધ્ય પ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવશે. માધવી રાજે નેપાળના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે સમાજ સેવાના કાર્યોમાં ખૂબ સક્રિય હતી. માધવી રાજે 24 ચેરિટેબલ ટ્રસ્ટના ચેરપર્સન હતા, જે શિક્ષણ અને મેડિકલ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. તે સિંધિયાસ ગર્લ્સ સ્કૂલના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષ પણ હતા. તેમણે પોતાના સ્વર્ગસ્થ પતિ માધવરાવ સિંધિયાની યાદમાં પેલેસ મ્યુઝિયમમાં એક ગેલેરી પણ બનાવી છે.