Pakistan Economic Crisis:આગામી મહિનામાં પાકિસ્તાનમાં મોંઘવારી દર 33 ટકા સુધી પહોંચવા જઇ રહ્યો છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયના ભૂતપૂર્વ સલાહકાર ખાકાન નજીબે કહ્યું કે સાઉદી ઇચ્છે છે કે પાકિસ્તાન IMF સાથે કરાર કરે. ત્યાર બાદ જ તેઓ કોઈપણ પ્રકારની લોન કે રોકાણ પર ધ્યાન આપશે.


જ્યારે પણ પાકિસ્તાનને લોનની જરૂર પડી છે ત્યારે ત્યારે તેને સંકટનો સામનો કરવો પડે છે. સાઉદી અરેબિયાએ સૌથી પહેલા પાકિસ્તાનની મદદ કરી હતી પરંતુ આ વખતે એવું થતું દેખાઇ રહ્યું નથી. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને કોઈપણ પ્રકારની બેલઆઉટ અથવા વ્યાજમુક્ત લોન આપવાનો ઈન્કાર કર્યો છે. ઈસ્લામાબાદ સરકાર પોતાના મુસ્લિમ મિત્રના આ નિર્ણયથી ચોંકી ગઈ છે. પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડાર ફરિયાદ કરી રહ્યા છે કે મિત્ર દેશો પણ પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મદદ કરવા તૈયાર નથી. ડિફોલ્ટથી બચવા માટે પાકિસ્તાનને તાકીદે મોટી લોનની જરૂર છે. દેશની વિદેશી મુદ્રા ભંડાર હાલમાં માત્ર $3 બિલિયન છે.


પાકિસ્તાન 1980ના દાયકાથી તેના 13મા બેલઆઉટ પેકેજ પર આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સાથે "મુશ્કેલ વાટાઘાટો" માં ફસાયેલુ છે. જો ટૂંક સમયમાં સમજૂતી નહીં થાય તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય લોન મેળવવામાં મુશ્કેલી પડશે કારણ કે તેનું ક્રેડિટ રેટિંગ બગડશે. તાજેતરના વિકાસથી વાકેફ વિશ્લેષકોએ મિડલ ઈસ્ટ આઈને જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ ચાલુ ખાતાની ખાધમાં તીવ્ર ઘટાડા સહિત કડક નાણાકીય અને રાજકોષીય સુધારાઓ લાગુ કરતી વખતે પાકિસ્તાનને નવી વ્યાજ-વહન લોન અને રોકાણની શરતો ઓફર કરી છે. આ IMFની શરતો સમાન છે.


પાકિસ્તાનના આર્મી ચીફ પણ 'તટસ્થ'


કિંગ ફૈઝલ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ઇસ્લામિક સ્ટડીઝના સહયોગી ફેલો ઉમર કરીમે જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ આઘાતમાં હતા. કરીમે MEE ને જણાવ્યું છે કે અત્યાર સુધી સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશો વડાપ્રધાન અને વિદેશ મંત્રીના ફોન પર પાકિસ્તાનની મદદ માટે આગળ આવતા હતા, પરંતુ આ વખતે એવું થતું દેખાતું નથી. એવું માનવામાં આવે છે કે તેમની તાજેતરની મુલાકાતમાં પાકિસ્તાનના આર્મી ચીફ પણ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પાકિસ્તાનને આર્થિક મદદ માટે રાજી કરી શક્યા ન હતા.


સાઉદી અરબે નીતિ બદલી


કરીમનું માનવું છે કે તે એક નવી મિસાલ સ્થાપશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ અત્યાર સુધી મિત્ર દેશો માટે "આશ્વાસનનો સ્ત્રોત" રહ્યા છે. જાન્યુઆરીમાં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સાઉદી અરેબિયાના નાણામંત્રીએ દેશની નવી આર્થિક નીતિ સમજાવી હતી. મોહમ્મદ અલ-જાદાને કહ્યું, 'અમે કોઈપણ શરત વિના સીધી ગ્રાન્ટ અને ડિપોઝિટ આપતા હતા પરંતુ અમે તેમાં ફેરફાર કરી રહ્યા છીએ. અમે અમારા લોકો પર ટેક્સ લગાવીએ છીએ, અમે બીજાઓ પાસે પણ એવું જ કરવાની અપેક્ષા રાખીએ છીએ. તેણે સ્પષ્ટ કહ્યું, 'અમે મદદ કરવા માંગીએ છીએ પણ અમે ઈચ્છીએ છીએ કે તમે પણ તમારો ભાગ ભજવો.'