નવી દિલ્લીઃ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિતના કોરોનાગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને કોરોનાના કેસો અને તેની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં તેમણે કોરોના સામેની લડાઇ જીતવા માટે એક મંત્ર આપ્યો હતો.

આ 72 કલાકના મંત્રી અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક્સપર્ટ કહી રહ્યા છે કે, શરૂઆતના 72 કલાકમાં આપણે કોરોનાના દર્દીની ઓળખ કરી લઈએ તો આ સંક્રમણની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલે બધાને મારો આગ્રહ છે કે, જેવી રીતે હાથ ધોવાની વાત હોય, સોશિયલ ડિસ્ટન્સની વાત હોય, માસ્કની વાત હોય, ક્યાંય ન થૂંકવાનો આગ્રહ હોય, આ બધાની સાથે સરકારોમાં અને સરકારી વ્યવસ્થાઓમાં તેમજ કોરોના વોરિયર્સ અને જનતા વચ્ચે એક નવો મંત્ર બરોબર પહોંચાડવો પડશે. તે છે 72 કલાકમાં કોરોના સંક્રમિત વ્યક્તિની આસપાસના લોકોનું ટેસ્ટિંગ થઈ જવું જોઇએ , ટ્રેસિંગ થઈ જવું જોઇએ. તેમના માટે જરૂરી છે, તે વ્યવસ્થા થઈ જવી જોઇએ. તેમણે 72 કલાકવાળી ફોર્મ્યુલા પર ખાસ ભાર મૂક્યો હતો.

તેમણે મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં ગુજરાતને કોરોનાને લઈને ટકોર કરી હતી અને ટેસ્ટિંગ વધારવા માટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં ટેસ્ટિંગ રેટ ઓછો છે અને પોઝિટિવ રેટ વધુ છે, ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાની જરૂરિયાત સામે આવી છે. ખાસ, બિહાર, ગુજરાત, યુપી, પ.બંગાળ અને તેલંગાણામાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. કોરોના સામેની લડાઇમાં કન્ટેઇન્મેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વેલન્સ સૌથી મહત્વના હથિયાર છે. હવે લોકો પણ આને સમજે છે. લોકો પૂરો સહયોગ પણ કરી રહ્યા છે.