PM Modi In UAE: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની UAE મુલાકાત દરમિયાન વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને પણ સંબોધિત કરશે. સમિટમાં પીએમ મોદીના સંબોધન પહેલા દુબઈના બુર્જ ખલીફાને તિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ભારતના સન્માનમાં દુનિયાની સૌથી ઊંચી ઈમારત પર 'ગેસ્ટ ઓફ ઓનર-રિપબ્લિક ઓફ ઈન્ડિયા' લખવામાં આવ્યું હતું.


UAEના ક્રાઉન પ્રિન્સ હમાદ બિન મોહમ્મદે પણ PM મોદીનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો આંતરરાષ્ટ્રીય સહયોગના અર્થમાં એક ઉદાહરણ છે. તેમણે કહ્યું કે, UAE આ વર્ષના વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં સન્માનિત અતિથિના રૂપમાં સામેલ થઇ રહેલા ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે. આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક મોડેલ તરીકે કામ કરે છે.






વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે  'અમારી સરકાર લોકોના જીવનધોરણને સુધારવા અને તેમની સમસ્યાઓ ઘટાડવા માટે સતત કામ કરી રહી છે. અમે ચાર કરોડથી વધુ પરિવારોને કાયમી મકાનો આપ્યા છે. અમે દસ કરોડથી વધુ પરિવારોને નળના પાણીના જોડાણો આપ્યા છે. અમે પચાસ કરોડથી વધુ લોકોને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા છે. અમે પચાસ કરોડથી વધુ લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા આપી છે. ગામડાઓ અને ગ્રામીણ વિસ્તારોના લોકોને સારવારમાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે અમે 1.5 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોનું નિર્માણ કર્યું છે. આજે ભારત એક પછી એક આધુનિક એક્સપ્રેસ વે બનાવી રહ્યું છે. આજે ભારત એક પછી એક નવા એરપોર્ટ બનાવી રહ્યું છે. આજે ભારત એક પછી એક નવા રેલ્વે સ્ટેશનો બનાવી રહ્યું છે.






વડાપ્રધાને કહ્યું કે, આજે દરેક ભારતીયનું લક્ષ્ય 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. વિશ્વમાં જે દેશની અર્થવ્યવસ્થા ખૂબ ઝડપથી વધી રહી છે તે આપણું ભારત છે. વિશ્વનો કયો દેશ સ્માર્ટફોન ડેટાના વપરાશમાં નંબર વન છે? વિશ્વનો કયો દેશ છે જ્યાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન થાય છે, તે દેશ ભારત છે.