Gujarat Politics: ગુજરાતમાં કોંગ્રેસને આજે વધુ એક મોટો ફટકો લાગ્યો. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કોંગ્રેસમાં રહેલા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી આજે ભાજપમાં સામેલ થયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.  જે બાદ સંબોધનમાં સી.આર.પાટીલે કહ્યું, ગોવાભાઈએ આવવામાં થોડુ મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યા બેઠા હોત.


બીજું શું બોલ્યા સી.આર.પાટીલ


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું, વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થાય, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. રાજીવ ગાંધી કહેતા હતા કે હું રૂપિયા મોકલું અહીં માત્ર 5 પૈસા મળે. મોદી સાહેબના ચરણોમાં આપણે બધાએ 156 સીટો  આપી. આ વખતે પણ 26માંથી 26 લોકસભાની સીટ જીતાડવાની છે.તમારી તાકાતનો પરચો બતાવવાનો છે.




તેમણે એમ પણ કહ્યું, મોદી સાહેબે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો. 370 અને 35 a ની કલમ હટાવી. રામ મંદિર બનાવ્યું. આ કોંગ્રેસીઓ અને લલ્લુ ને કહી દેજો વિરાટ રામમંદિર બની રહ્યું છે ટિકિટ બુક કરાવી દે. કોંગ્રેસના એક નેતાએ મોદી સાહેબને ધમકી આપી હતી કે, કલમ 370 હટાવશો તો લાહીની નદીઓ વહેશે. જ્યાં પથ્થરમારો થતો હતો ત્યાં કાંકરી ચાળો પણ નથી થતો.






ગોવાભાઈની સાથે કોણ કોણ જોડાયું ભાજપમાં


ગોવાભાઇની સાથે તેમના પુત્ર સંજય રબારી પણ ભાજપમાં સામેલ થયા હતા. ગોવાભાઇ રબારીની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઈના ભાઈ જગમલભાઈ રબારી, લાખણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપક ઓઝા પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.


ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વક રીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે. જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.


ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.  ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.