પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં ખુબ ખરાબ રીતે હારેલી કોંગ્રેસ પાર્ટીમાં હાલ ઘમાસાણ ચાલી રહ્યું છે. હવે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પણ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અંગે નિવેદન આપ્યું છે. કપિલ સિબ્બલે કહ્યું છે કે, ગાંધી પરિવાર પદ છોડી દે અને બીજા નેતાને મોકો આપે. તેમણે પાર્ટીના નેતૃત્વ ઉપર નિશાનો લગાવ્યો હતો અને કહ્યું કે, જો તેમને ચૂંટણીઓમાં મળેલી હારનાં કારણોની જાણકારી નથી તો તેઓ હજી કલ્પનાલોકમાં જીવી રહ્યા છે. તેમણે આ વાત એક સમાચાર પત્રને આપેલા એક ઈંટરવ્યુમાં કહી હતી.
આ ઈંટરવ્યુમાં કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, હું વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારથી હેરાન નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બહાર પણ એક કોંગ્રેસ છે. કૃપા કરીને તેમના વિચારોને સાંભળો. મારા જેવા ઘણા નેતાઓ છે જે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નથી પરંતુ કોંગ્રેસમાં એક અલગ દૃષ્ટિકોણ રાકે છે. શું અમે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં નથી એટલે અમને કોઈ ફરક નથી પડતો? દેશભરમાં ઘણા એવા કોંગ્રેસીઓ છે કેરલ, અસમ, જમ્મુ કશ્મીર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિતના રાજ્યોમાં એવા કોંગ્રેસીઓ છે જે પાર્ટીના તે દૃષ્ટિકોણને નથી રાખતા.
પ્રિયંકા ગાંધીએ 2024ની તૈયારી શરુ કરીઃ
કપિલ સિબ્બલ કહી રહ્યા છે કે ગાંધી પરિવાર કલ્પનાલોકમાં જીવે છે. ત્યારે ચૂંટણીમાં મળેલી હાર બાદ પણ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાર માની નથી. તેમણે યુપીમાં 2024 માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રોનું માનીએ તો પ્રિયંકા ગાંધીએ રવિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર પર મંથન કર્યું હતું, પરંતુ તે પહેલાં કલાકો સુધી કાર્યકરો સાથે બેઠક કરી હતી.
આ વખતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ડિપોઝીટ જપ્ત કરવામાં કોંગ્રેસ નંબર વન રહી છે. કોંગ્રેસના 399 ઉમેદવારોમાંથી 387ની ડિપોઝીટ જપ્ત થઈ હતી. કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે. કોંગ્રેસને આ વખતે માત્ર 2.33 ટકા વોટ મળ્યા છે. યુપીમાં કોંગ્રેસના ઈતિહાસમાં આ સૌથી ખરાબ પ્રદર્શન હતું. તે પણ જ્યારે પ્રિયંકા ગાંધી યુપીમાં સતત સક્રિય હતા.