BJP Parliamentary Party Meeting: આજે દિલ્લીમાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટીની સાંસદીય દળની બેઠક યોજાવાની છે. આ માટે ભાજપે તેના તમામ સાંસદોને બેઠકમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ બેઠકમાં પીએમ મોદી પણ હાજર રહેશે. પીએમ હોવા ઉપરાંત તેઓ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટથી સાંસદ છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ પણ ભાજપના સંસદીય દળ (Parliamentary Party Meeting)ની આ બેઠકમાં હાજરી આપશે.
ભાજપે તેના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદોને બેઠકમાં હાજરી આપવા માટે કહ્યું છે. લોકસભામાં ભાજપના 301 સાંસદો છે જ્યારે રાજ્યસભામાં 97 સાંસદો છે. બેઠકમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે.
પંજાબમાં ભાજપ કંઈ કરી શકી નથી. ભાજપને કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડવાનો કોઈ ફાયદો નથી થયો. તો બીજી બાજુ પાર્ટીએ અન્ય 4 રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. યુપીમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. 37 વર્ષ પછી કોઈપણ પક્ષની સતત બીજીવાર સરકાર બની છે. આ પહેલાં કોંગ્રેસ 1985માં સતત બીજી વખત સત્તામાં આવી હતી.
હવે ભાજપ સંસદીય દળની બેઠકમાં ચૂંટણીમાં પોતાના પ્રદર્શનની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. છેલ્લી સંસદીય દળની બેઠક 21 ડિસેમ્બર, 2021ના રોજ મળી હતી. ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકમાં હાજરી આપી હતી. તેમણે સંસદમાં સાંસદોની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ચેતવણી આપી હતી કે, જ્યાં સુધી તેઓ (સાંસદ) પોતાની જાતને નહીં બદલે ત્યાં સુધી પરિવર્તન થઈ શકશે નહીં.