બનાસકાંઠાઃ ગુજરાતમાં આગામી 19મી જૂને રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી થવાની છે, તે પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યો સામે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો આક્રોશ સામે આવ્યો છે.


વાવના ધારાસભ્ય ગેનીબેને આક્રોશ ઠાલવતા નિવેદન આપ્યું છે કે, આવા પક્ષ પલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઈએ. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસના પક્ષ પલટુ ધારાસભ્યોને વેચાઉ માલ ગણાવ્યા હતા. પક્ષ પલટુ ધારાસભ્યોને વોટ ન આપવો જોઈએ, તેવું પણ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે ક્યાંય બહાર નહીં જાય.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસમાં ભંગાણ થવાનું શરૂ થઈ ગયું છે. ગુરુવારે બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી શુક્રવારે વધુ એક ધારાસભ્યે રાજીનામું ધરી દીધું છે. આમ, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે.