Rahul Gandhi Press Conference: કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રા 15માં દિવસે પહોંચી ગઈ છે. આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કેરળથી શરૂ થઈ હતી. આ વચ્ચે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી આ યાત્રા કેરળમાં સફળ રહી છે. યાત્રાની સફળતા પાછળ કેટલાક વિચારો છુપાયેલા છે. પહેલો વિચાર એ છે કે ભારતને નફરત પસંદ નથી. દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે, પરંતુ ભાજપ અને આરએસએસ સતત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે.






રાહુલે કહ્યું હતું કે કેરળની જેમ અન્ય રાજ્યોમાં પણ ભારત જોડો યાત્રા સફળ થશે. અમે બિહાર નથી જઈ રહ્યા, અમે ગુજરાતમાં નથી જઈ રહ્યા, અમે બંગાળ નથી જઈ રહ્યા. પ્રવાસ એક છેડેથી બીજા છેડા સુધીનો છે. અમે એકસાથે આખા ભારતમાં પ્રવાસ કરી શકતા નથી. ઉત્તર પ્રદેશની યાત્રાને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, તેની ચિંતા ના કરો, અમને ખબર છે કે ત્યાં શું કરવાની જરૂર છે.






પ્રમુખ પદ અંગે શું આપ્યો જવાબ


કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને પૂછવામાં આવેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમને જલ્દી જ ખબર પડી જશે કે શું થવાનું છે. મેં મારું સ્ટેન્ડ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે. કોંગ્રેસના કાર્યકરો સાથે મારો સીધો સંપર્ક છે. મારે મીડિયા દ્વારા કશું કહેવાની જરૂર નથી. જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવારોને શું સૂચન કરશે?  જેના પર તેમણે કહ્યુ હતું કે  તેમના માટે હું કહેવા માંગુ છું કે તમે એક ઐતિહાસિક પદ સંભાળવાના છો, તે માત્ર સંસ્થાનું પદ નથી. તે એક વિચારધારા છે. જેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને છે તેમની પાસે ભારતની વિચારધારા હોવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને આશા છે કે ઉદયપુર ચિંતન શિબિરના ઠરાવ મુજબ "એક વ્યક્તિ એક પદ"નું પાલન કરવામાં આવશે.






રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વિશે કહ્યું હતું કે, 2024 કરતા પણ વધુ મહત્વનો પ્રશ્ન લોકોને જે રીતે વિભાજીત કરવામાં આવી રહ્યો છે તેને રોકવાનો છે. રાહુલે કહ્યું હતું કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને સવાલો પૂછવામાં આવે છે પરંતુ ભાજપ, RSS, ડાબેરીઓની ચૂંટણી વિશે સવાલો પૂછતા નથી.