Haryana Rajya Sabha Election Result: દેશના 4 રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો પર શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં મતદાન થયું હતું. રાજસ્થાન અને કર્ણાટક બાદ હરિયાણાના પણ પરિણામ આવી ગયા છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા પરિણામોમાં હરિયાણાની બેમાંથી એક સીટ પર બીજેપી અને બીજી સીટ પર અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માનો વિજય થયો હતો.
મળતી માહિતી મુજબ, હરિયાણામાં ભાજપના કૃષ્ણ લાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા રાજ્યસભામાં ચૂંટાયા છે. હાલમાં અધિકારીઓનું કહેવું છે કે કોંગ્રેસના અજય માકન હારી ગયા છે. હરિયાણામાં કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાના કહેવા પ્રમાણે, અજય માકન બહુ ઓછા માર્જિનથી હારી ગયા છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજ્યસભામાં બીજેપીની જીત પર કૃષ્ણ લાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, 'હરિયાણાના નવા ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદોને મારા હાર્દિક અભિનંદન. કૃષ્ણલાલ પંવાર અને કાર્તિકેયની સફળતા લોકશાહીની જીત છે. આપણા મહાન રાષ્ટ્રના વિકાસમાં તેમની નવી જવાબદારીઓ માટે મારી તેમને શુભેચ્છાઓ.
બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસને 3 અને ભાજપને એક સીટ મળી છે. કર્ણાટકમાં ભાજપને 3 અને કોંગ્રેસને એક બેઠક મળી છે. નોંધનીય છે કે કર્ણાટકમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતા-રાજકારણી જગેશ અને લહર સિંહ સિરોયા ભાજપ તરફથી જીત્યા, જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ પણ જીતીને રાજ્યસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા.
ઉપરાંત રાજસ્થાનમાં ભાજપને એક સીટથી સંતોષ માનવો પડ્યો છે અને કોંગ્રેસને ત્રણ સીટ પર જીત મળી છે. રાજસ્થાનમાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારીએ જીત મેળવી છે. અહીંથી ભાજપના એકમાત્ર ઉમેદવાર ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા છે. બીજી તરફ અપક્ષ ઉમેદવાર ડો.સુભાષ ચંદ્રાને હારનો સામનો કરવો પડ્યો હતો.