પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મુદ્દે કોંગ્રેસના સાંસદ શશિ થરુરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે તેઓ ઈમરાન સાથે સહમત છે કે વાતચીત કરવી એ યુદ્ધ કરવા કરતાં ઘણી સારી વાત છે. પરંતુ ભારતીય ટીવી પર થતી ચર્ચાઓમાં કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો ઉલટાની સમસ્યા વધી છે.


ટ્વિટ કરીને શશિ થરુરે પોતાની વાત મુકીઃ


તિરુવનંતપુરમના સાંસદ શશિ થરુરે ટ્વિટ કરીને કહ્યું કે, 'પ્રિય ઈમરાન ખાન, હું સહમત છું કે વાતચીત કરવી યુદ્ધ કરવા કરતાં સારું છે, પરંતુ ભારતીય ટેલીવિઝન પર થતી ચર્ચાથી કોઈ સમસ્યાનો ઉકેલ ક્યારેય નથી આવ્યો, ઉલટાની તે સમસ્યા વધી છે.'






 


રશિયાની સરકારી ટીવી ચેનલ પર ઈમરાને ઈચ્છા વ્યક્ત કરી હતીઃ


જણાવી દઈએ કે ઈમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે, તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદ ઉકેલવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ચર્ચા કરવા ઈચ્છે છે. ઈમરાન ખાને આ વાત પોતાના મોસ્કો પ્રવાસ પહેલા રશિયાની સરકારી ટીવી ચેનલ RTને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવી હતી. ઈમરાન ખાને વધુમાં કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાનના મતભેદો ચર્ચાથી ઉકેલી શકાય તો ઉપમહાદ્વીપના લોકો માટે ઘણી સારી વાત ગણાશે.


પાકિસ્તાન સતત વાતચીત પર જોર આપી રહ્યું છેઃ


પાકિસ્તાને સતત ભારત સાથે વાતચીત કરવા માટે જોર આપી રહ્યું છે. થોડા દિવસો પહેલાં પાકિસ્તાને વેપારને લઈને ઈમરાન ખાનના આર્થિક મામલોના સલાહકાર અબ્દુલ રજાક દાઉદે નિવેદન આપ્યું હતું કે, તેઓ ભારત સાથે વેપાર સંબંધોનું સમર્થન કરે છે, જેનાથી બંને પક્ષોને ફાયદો થશે.