Viral Video: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પિતા બાઇક પર બાળકને સ્કૂલે છોડવા જઇ રહ્યા છે. આ સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વો આવીને તેના પિતા પર તૂટી પડે છે અને તેને ઘેરી વળે છે અને માર મારવાનું ચાલુ કરે છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક ગુંડા બાળકને સ્કૂલે મૂકવા જઈ રહેલા પિતાને માર મારતા જોવા મળે છે. આ ઘટના પંજાબના માનસાની જણાવવામાં આવી રહી છે. સવારનો સમય હતો. પિતા રાબેતા મુજબ બાઇક પર બાળકને શાળાએ મુકવા જતા હતા. શાળાએ પહોંચીને, જ્યારે તેણે બાઇક રોક્યું, ત્યારે તેની પાછળ આવેલા કેટલાક ગુંડાઓએ તેને ઘેરી લીધો અને લાકડીઓ વડે નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. પિતાને મારતા જોઈને પુત્ર જોર જોરથી રડવા લાગ્યો.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પિતા તેમના પુત્રને સ્કૂલે મૂકવા માટે બાઇક પર આવ્યા છે. તેમની આગળ એક બાળક બેઠેલું છે. પિતાને ખબર ન હતી કે કેટલાક ગુંડાઓ તેમની પાછળ આવી રહ્યા છે. શાળાએ પહોંચ્યા પછી પિતાએ બાઇક રોકી તો તરત જ 4-5 ગુંડાઓએ હુમલો કર્યો અને લાકડીઓ અને સળિયા વડે બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું. જ્યારે પિતાને માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે એક ગુંડાએ બાળકને બાઇક પરથી સલામત રીતે ઉતાર્યો અને પછી તેમના પિતા પર લાકડી વડે હુમલો કરી દીધો.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરી શરૂ
આ ઘટના શાળાની સામે જ બની હતી. જે સમયે આ ઘટના બની તે સમયે આસપાસ ઘણા વાલીઓ હાજર હતા, જેઓ તેમના બાળકને શાળાએ મૂકવા આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગુંડાઓ અને આ વ્યક્તિ વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ગુંડાઓએ શા માટે આ ઘટનાને અંજામ આપ્યો તે હજું સુધી જાણી શકાયું નથી. જો કે, પોલીસે મામલાને ગંભીરતાથી લઈને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનેગારો સામે IPC 307 કલમ હેઠળ (હત્યાના પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો છે.