નવી દિલ્લીઃ મોટી નોટ રદ્દ કર્યા બાદ આમ જનતા મુશ્કેલી સહન કરી રહી છે. ત્યારે સંસદના બંને ગૃહમાં વિરોધ પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બુધવારે રાહુલ ગાંધીએ નોટબંધી મામલે સંયુક્ત સંસદીય સમિતિ JPC પાસે તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીને સદનમાં નોટબંધી મામલે વિરોધ પક્ષોને સાંભળવા જોઇએ. સંસદ ભવન પરિસરમાં નોટબંધીના મુદ્દા પર વિરોધ પક્ષોના ધરણા પ્રદર્શનમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, " પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા નિર્ણયને દુનિયાનો સૌથી મોટો નાણાંકીય પ્રયોગ ગણાવ્યો છે. તે વિશે તેમને કોઇએ નથી પુછ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, નાણાંમંત્રીને પણ આ મામલે કોઇ જાણકારી નહોતી. મુખ્ય આર્થિક સલાહકારને પણ આ મામલે કોઇ જાણકારી નહોતી."
રાહુલે જણાવ્યું હતું કે, આ પગલું નાણામંત્રી સાથે ચર્ચા કર્યા વગર ઉઠાવવામાં આવ્યો છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષે માંગ કરી હતી કે,' પ્રધાનમંત્રી દેશનું પ્રતિનિધિત્વ કરે છે. તે સંસદમાં આવે અને નોટ રદ્દ કરવાના મામલે સમગ્ર ચર્ચા દરમિયાન સદનમાં હાજર રહે. 'તેમણે જણાવ્યું હતુ કે, નોટ બંધી પાછળ કૌભાંડ છે. પ્રધાનમંત્રી અને બીજેપી અધ્યક્ષે આ અંગે પોતાના લોકોને પહેલા જણાવી દીધું હતું. આની જેપીસી તપાસ થવી જોઇએ.