રાજકોટઃ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે અને મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. જો કે સૌથી ખરાબ હાલત રાજકોટ જિલ્લાના કાગદડીની થઈ છે. રાજકોટ જિલ્લાનાના મોરબી રોડ પર આવેલા નાનકડા કાગદડી ગામમાં માત્ર 2 કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામનું કોઈ ઘર એવું નથી બચ્યું કે જેમાં ગોઠણસમા પાણી ના ભરાયાં હોય. ગામની અંદર પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં.


માત્ર બે કલાકમાં ગામમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે ગામ બેટમાં ફેરવાયું હતું. પ્રાથમિક રીતે મળી રહેલી માહિતી પ્રમાણે આ ભારે વરસાદમાં  150 જેટલાં પશુ તણાઈ ગયાં છે, જેમાંથી 25 પશુના મૃતદેહ મળ્યા છે.  બાકીનાં પશુઓની હજુ સુધી ભાળ નથી. ગામનાં લોકોનું કહેવું છે કે, છેલ્લાં કેટલાંય વરસોમાં આવો ભારે વરસાદ જોયો નથી. આ વરસાદે વૃધ્ધોને મોરબીની મચ્છુ હોનારતની યાદ અપાવી હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયાં હતાં.


કાગદડી ગામના સરપંચ દેવ કોરડિયાએ મીડિયાને માહિતી આપી હતી કે, રવિવારે કાગદડી ગામમાં સાંજના 4થી 6 વાગ્યા સુધીમાં અંદાજે 12 ઇંચ વરસાદ ખાબકતાં  આશરે 150 જેટલાં પશુ લાપતા છે. અંદાજે 25 વીજળીના થાંભલા  પડી ગયા છે અને  ખેતરોનું ભારે ધોવાણ થયું છે. ગામનો સંપર્ક કપાઈ જતાં ગામના લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. વરસાદ બંધ થતાં વીજળી વિભાગની અને ખેતી વિભાગની ટીમ દોડી આવી હતી અને નુકસાનીનો સર્વે હાથ ધર્યો છે. પશુ આરોગ્યની ટીમ પણ સર્વે કરી રહી છે. અંદાજે 100 હેક્ટર જેવી જમીન ધોવાઈ ગઈ છે.


લોકોનાં ઘરોની સામે મૂકેલાં ટ્રેક્ટરો પણ હાલકડોલક થઈ ગયાં હતાં પણ વરસાદ રહી જતાં બચી ગયાં હતાં. લગભઘ તમામ ઘરોમાં ઘરવખરી પલળીને બગડી ગઇ છે. અનાજ પણ પલળી જતાં આખા વર્ષનું અનાજ તથા બીજી ચીજો ફરીથી લેવી પડશે.