જૂનાગઢ: હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિસાવદરમાં 17 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  કાલે રાતે 10 વાગ્યાથી બપોરના બે સુધી મા 17 ઈંચ વરસાદ નોંધાયો છે.   વિસાવદરના સરસઈ નજીક આવેલ ધ્રાફડ ડેમ ઓવરફલો થયો છે. 


આબાજળ, ઝાઝંશ્રી ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે.  ધ્રાફડ ડેમ કાલે રાતે 34 ટકા જ ભરેલો હતો  કલાકોમાં બાકી 64 ટકા પાણી ની ધસમસતી આવક થઈ હતી.  
ગણતરીના કલાકોમાં ધ્રાફડ ડેમ ઓવરફલો થતા બે દરવાજા ખોલાયા છે.  ડેમનો અદ્ભૂત નજારો જોવા લોકો ઉમટી પડયા હતા. 


જૂનાગઢ જિલ્લાનો વંથલી માણાવદર સ્ટેટ હાઇવે  બંધ થયો છે.  રોડ પર ઉબેણ નદીનું પાણી ફરી વળતા હાઇવે બંધ થયો છે. લોકો જીવન જોખમે રસ્તો પાર કરતાં જોવા મળ્યા હતા. રસ્તો બંધ થતાની સાથે ટ્રાફિક જામ ના દૃશ્યો સર્જાયા છે.  રસ્તો બંધ થતાની સાથે રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.




જૂનાગઢના ગીરનાર પર ભારે વરસાદ વરસ્યો છે. દામોદરકુડ અને  વિલિગ્ડન ડેમ પર જવા પ્રતિબંધ મૂકાયો છે.  જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  આજે તારીખ 13 થી 16 તારીખ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  કલેક્ટરે પ્રથમવાર જાહેરનામુ  બહાર પાડયું છે.  કલેક્ટર ડીડીઓ સહીતના અધિકારીઓએ રુબરુ દામોદરકુડની મુલાકાત લીધી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમા સતત વધારો થયો છે. 


રાજકોટમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર


ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. લોધિકામાં માત્ર 4 કલાકમાં જ 11.8 ઇંચ વરસાદ નોંધાયો છે.



રાજકોટ જિલ્લામાં વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.