રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું છે. ત્યારે 10.5 ઇંચ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાય ગયા છે. ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી દીધું છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. 5 ટ્રેન સમય કરતા મોડ ચાલી રહી છે. 3 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ગઇ કાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવાયા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે.
રાજકોટના નાના મૌવામાં રસ્તામાં પાણી ભરાયા હતા. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ફસાયા હતા. ઈકો ગાડી બંધ થઈ જતા વાહન ધક્કા મારી અને ગાડીને રસ્તા પરથી આગળ લઈ જવામાં આવી. ગોંડલ જામ કંડોરણા હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. જામકંડોરણા ગોંડલ હાઇવે બંધ કરાયો છે. છાપરવાડી ડેમમાં પાણીની ભારે આવક થતા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના પાણી હાઇવે પર ફરી વળ્યા હતા.
કાલાવડમાં આજ સવારથી બપોરના 12 વાગ્યા સુધી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે કાલાવડ તાલુકાના બાંગા ગામે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. વધુ પડતાં વરસાદ અને પાણીમાં ફસાયેલ લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યા.
ગઈકાલથી આજે બપોર સુધીમાં કુલ 17 ઇંચ જેટલો વરસાદ જામનગરના કાલાવાડમાં પડ્યો છે. મુશળધાર વરસાદથી કાલાવડમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે. ઠેર ઠેર નદી નાળા અને જળાશયો ઓવરફલો થયા છે.
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 102 તાલુકામાં વરસાદની પધરામણી થઈ હતી. રાજકોટના ધોરાજીમાં 5.6 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 5.1 ઈંચ, રાજકોટમાં 3.5, અમદાવાદના ધોલેરામાં 3 ઈંચ અને વલસાડના કપરાડામાં અઢી ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો.