રાજકોટઃ રાજકોટના રાજકોટના સમર્થ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા બે બાળકોના મોત થયા છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટના બિગ બજારની પાછળ આવેલા સમર્થ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી. જેમાં નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદનું મોત થયું હતું. એપાર્ટમેન્ટના બિલ્ડરે નેપાળી પરિવારને રહેવા માટે ઇલેક્ટ્રિક રૂમમાં વ્યવસ્થા કરી હતી.  ઘટના સમયે બાળકોના પિતા બહાર કામ માટે ગયા હોવાથી રૂમને બહારથી લોક માર્યું હતું.

દુર્ઘટનાની જાણ થતાં  ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દાઝેલા નેપાળી પરિવારના પુત્ર અને પુત્રીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંન્નેને મૃત જાહેર કરાયા હતા. પોલીસ તપાસની માંગ સાથે મોટી સંખ્યામાં નેપાળી પરિવારો સિવિલ હોસ્પિટલમાં ઉમટ્યાં હતા. આ આગમાં ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 3.80 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા છે.